અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઑફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત

ED Anil Ambani Latest News: અનિલ અંબાણી પર ફરી એકવાર ઈડીએ સંકજો કસ્યો છે. તેમની મુશ્કેલીઓ દૂર થવાનું નામ લઈ રહી નથી. ઈડીએ મુંબઈના પાલી હિલ સ્થિત અનિલ અંબાણીના ઘરથી માંડી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર પ્રોપર્ટી અને દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, મુંબઈ, પૂણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપુરમ અને ઈસ્ટ ગોદાવરી સહિત ફેલાયેલી રૂ. 3084 કરોડની 40 સંપત્તિઓ ટાંચમાં લીધી છે. ઉદ્યોગપતિ અને તેમની ગ્રૂપ કંપનીઓ વિરૂદ્ધ કથિત લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસ મામલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, સંઘીય તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સંપત્તિઓને ટાંચમાં લેવામાં ચાર પ્રોવિઝનલ આદેશ જાહેર કર્યા હતા. જેમાં 66 વર્ષીય અંબાણીનું મુંબઈમાં પાલી હિલ સ્થિત ઘર અને તેમના ગ્રૂપની કંપનીઓની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સંપત્તિઓ સામેલ છે.
ઈડીએ અનેક સંપત્તિ જપ્ત કરી
દિલ્હીમાં મહારાજા રણજિતસિંહ માર્ગ પર રિલાયન્સ સેન્ટરનું એક ભૂખંડ અને નેશનલ રાજધાની, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, ઈસ્ટ ગોદારવરીમાં અનેક સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, ટાંચમાં લીધેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 3084 કરોડ છે. આ મામલો રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ દ્વારા એકત્રિત કરવામાં આવેલી જાહેર સંપત્તિની કથિત હેરાફેરી અને મની લોન્ડરિંગ સંબંધિત છે.
યસ બૅન્કમાં કર્યું કૌભાંડ
યસ બૅન્કે 2017થી 2019 દરમિયાન RHFLમાં રૂ. 2,965 કરોડ અને RCFL માં રૂ. 2,045 કરોડની લોન ફાળવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનુસાર, ડિસેમ્બર 2019 સુધીમાં આ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જાહેર કરવામાં આવી હતી, જેમાં RHFL પર રૂ. 1,353.50 કરોડ અને RCFL પર રૂ. 1,984 કરોડ બાકી લેણાં હતા. અંબાણી સામેની કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાઓ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગ્રૂપની અનેક કંપનીઓ દ્વારા રૂ. 17,000 કરોડથી વધુની સામૂહિક લોનને તેમના નિયુક્ત ભંડોળ સિવાયના ભંડોળમાં વાળવા સંબંધિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) આ કેસના સંદર્ભમાં ઑગસ્ટમાં ઉદ્યોગપતિની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ 24 જુલાઈના રોજ મુંબઈમાં 50 કંપનીઓ અને તેમના પ્રોફેશનલ જૂથોના અધિકારીઓ સહિત 25 વ્યક્તિઓના 35 પરિસરમાં હાથ ધરાયેલા દરોડા બાદ થઈ હતી. ડિરેક્ટોરેટનો મની લોન્ડરિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) FIR સાથે સંબંધિત છે.

