મોદી સરકારના સીમાંકન બિલને શરદ પવારના સમર્થનથી રાજકીય જગતમાં ચર્ચા, સમજો સંસદમાં કેટલો ફાયદો થશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delimitation Bill Lobbying Gujarat Businessman : કેન્દ્રની મોદી સરકાર ડિલિમિટેશન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા માટે ફરી એક વખત સંસદમાં મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. 27 નવેમ્બર, 2026ના રોજ કેન્દ્રીય કેબિનેટે લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારો કરવા તથા રાજ્યો વચ્ચે બેઠકોના પ્રમાણને 2051 સુધી જાળવી રાખવાની જોગવાઈ ધરાવતા સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. જો કે આ પ્રસ્તાવ પહેલા આશ્ચર્યજનક રીતે શરદ પવાર જુથ દ્વારા કેન્દ્ર સરકારને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ સમર્થન પાછળ શરદ પવાર જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે ગુજરાતના એક દિગ્ગજ ઉદ્યોગપતિએ ખુબ જ મહત્વની ભુમિકા ભજવી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
આ ઉદ્યોગપતિએ શરદ પવાર સાથે હોસ્પિટલમાં જ વાટાઘાટો પાર પાડીને સમગ્ર તખ્તો ઘડી નાખ્યો હોવાની પણ ચર્ચા છે. કેન્દ્ર સરકારનાં સંસદ સત્રમાં તમામ પાસા પોબારા પડે તે માટે તેમણે ખાસ અભિયાન અગાઉથી જ આરંભી દીધું હતું અને તેના અંતર્ગત જ શરદ પવાર જુથ સાથે તેઓ લાંબા સમયથી લોબિંગ કરી રહ્યા હતા તેવું ચર્ચાઈ રહ્યું છે.
શરદ પવારના સમર્થન માટે ભાજપના સંકટ મોચક ગુજરાતી ઉદ્યોગપતિ
27 નવેમ્બરે NCP (SP)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે શરદ પવાર સાથે ચર્ચા બાદ ડિલિમિટેશન પ્રક્રિયાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પક્ષે તમામ રાજ્યોમાં બેઠકોનો સમાન 50 ટકા વધારો કરવાની શરત સાથે સમર્થન જાહેર કર્યું હતું. આ નિર્ણય પાછળ રાજકીય ચર્ચાઓનો એક બીજો દોર પણ ચાલી રહ્યો છે. સૂત્રોના દાવા મુજબ, ગુજરાતના એક દિગ્ગજ ઉદ્યોગપતિએ શરદ પવારને સમજાવવામાં તથા મોદી સરકારના પ્રસ્તાવ માટે તેમનું સમર્થન મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શરદ પવાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે આ ઉદ્યોગપતિ દ્વારા સંપર્ક અને સંવાદની પ્રક્રિયામાં મદદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે, સંસદમાં બંધારણીય સુધારાના મતના ગણિત વચ્ચે શરદ પવાર જૂથના સમર્થનથી સરકારની રાજકીય સ્થિતિને ચોક્કસ મદદ મળી શકે છે.
બંધારણ સુધારાનું ગણિત આસાન નથી
બંધારણના અનુચ્છેદ 368 મુજબ કોઈ પણ બંધારણીય સુધારો પસાર કરવાનું ગણિત આસાન નથી. બિલ સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં અલગ-અલગ પસાર થવું જરૂરી છે. આ માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી.
- દરેક ગૃહમાં કુલ સભ્યસંખ્યાની બહુમતી ઉપરાંત હાજર રહીને મતદાન કરનારા ઓછામાં ઓછા 2/3 સભ્યોનું સમર્થન જરૂરી છે
- ઉદાહરણ તરીકે, જો લોકસભાની તમામ 543 બેઠકો ભરેલી હોય અને બધા સાંસદો મતદાન કરે, તો બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 362 સાંસદોના મત જોઈએ
- બંને ગૃહોની મંજૂરી બાદ રાષ્ટ્રપતિની સંમતિ જરૂરી બને છે અને જો સુધારો રાજ્યોના અધિકારો કે સંઘીય માળખાને અસર કરતો હોય, તો દેશની ઓછામાં ઓછી 50% રાજ્ય વિધાનસભાઓની મંજૂરી પણ લેવી પડે છે.
30 નવેમ્બરથી સંસદમાં ફરી રાજકીય જંગ
સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી શરૂ થવાનું છે. લોકસભાની બેઠક 30 નવેમ્બરથી અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી મળવાની છે. આ સત્રમાં ડિલિમિટેશન અને મહિલા અનામત સાથે જોડાયેલા સુધારાઓ સરકારના મુખ્ય એજન્ડામાં રહેવાની શક્યતા છે. એપ્રિલમાં જરૂરી બહુમતી ન મેળવી શકનાર મોદી સરકાર હવે સુધારેલા પ્રસ્તાવ, પ્રાદેશિક પક્ષોના સમર્થન અને નવા રાજકીય સમીકરણો સાથે આગળ વધી રહી છે. શરદ પવાર જૂથનું સમર્થન આ સમગ્ર પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ રાજકીય સંકેત છે. હવે લોકસભા અને રાજ્યસભામાં મતદાન વખતે સરકાર કેટલા પક્ષો તથા સાંસદોને સાથે લાવી શકે છે તેના પર આ બંધારણીય સુધારાનું ભવિષ્ય નિર્ભર રહેશે.




