ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો
Maharashtra Political News : ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર દ્વારા NCP-SPના નેતા જયંત પાટીલ વિરુદ્ધ કરાયેલા વિવાદાસ્પદ નિવેદને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. પડલકરે જયંત પાટીલને 'ભિખારીના દીકરા' કહ્યા હતા, જેના પર વરિષ્ઠ નેતા શરદ પવારે પણ સખત વાંધો ઉઠાવ્યો છે.
શરદ પવારે ફડણવીસને ફોન કર્યો
શુક્રવારે સવારે શરદ પવારે (Sharad Pawar) સીધા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis)ને ફોન કર્યો હતો અને આ મામલે દખલગીરી કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પવારે કહ્યું કે, આ પ્રકારનું નિવેદન મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ વિરુદ્ધ છે અને અત્યાર સુધી કોઈએ રાજકારણમાં આટલું નીચું સ્તર બતાવ્યું નથી.
પાટીલ હત્યાના કેસમાં મને ફસાવી રહ્યા છે : પડલકર
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાંવળી વિધાનસભા ક્ષેત્રમાં એક કાર્યક્રમ દરમિયાન ગોપીચંદ પડળકરે (Gopichand Padalkar) જયંત પાટીલ (Jayant Patil) પર એક કોન્ટ્રાક્ટરની હત્યાના કેસમાં તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો છે. પડળકરે જયંત પાટીલને મૂર્ખ ગણાવતા કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે આવો મૂર્ખ માણસ મહારાષ્ટ્રનો નેતા કેવી રીતે બની શકે? તેમણે જયંત પાટીલના રાજારામબાપુ પાટીલના પુત્ર હોવા પર પણ શંકા વ્યક્ત કરી. આ નિવેદન બાદ મામલો ગંભીર બન્યો અને રાજકીય વર્તુળોમાં તેની સખત ટીકા થઈ રહી છે.
ભાજપ ધારાસભ્ય પડલકરનું વિવાદાસ્પદ નિવેદન
સાંવળીમાં એક કાર્યક્રમ દરમિયાન ગોપીચંદ પડલકરે કહ્યું કે, ‘કોન્ટ્રાક્ટરની હત્યાના કેસમાં જયંત પાટીલ મને ફસાવવાનો પ્રયાસ કરીર હ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે આવો મૂર્ખ માણસ મહારાષ્ટ્રનો નેતા કેવી રીતે બની શકે? તેમણે મહારાષ્ટ્રમાં એનસીપીનું નેતૃત્વ કેવી રીતે કર્યું? જયંત પાટીલ મૂર્ખ છે. તેઓ દર સપ્તાહે પોતાની મૂર્ખતા સાબિત કરે છે. મારા અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ તેમ છતાં પાટીલ મને બદનામ કરવાનું કામ કરે છે. હું તે લોકોના રાજમાં બે વખત જેલમાં રહ્યો છું. આખરે જયંત પાટીલ કોના પુત્ર છે, રાજારામબાપૂ પાટીલના... મને લાગતું નથી, કંઈ તો ગડબડ છે. પડલકર પાટીલ જેવા ભિખારીના દિકરા નથી.’
પડલકરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું
જયંત પાટીલના પિતા રાજારામબાપુ પાટીલનું મહારાષ્ટ્રના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ રહ્યું છે. તેથી તેમના વિશે આ પ્રકારનું અપમાનજનક નિવેદન આપવાથી રાજકારણ વધુ ગરમાયું છે. હવે જોવું એ રહ્યું કે શરદ પવારની ફરિયાદ બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ મામલે શું પગલાં લે છે. આ ઘટનાએ ભાજપ અને NCP-SP વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે.