LIST : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં... ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી
Election Commission News : ચૂંટણી પંચે બિન-માન્યતાપ્રાપ્ત નોંધાયેલા રાજકીય પક્ષો સામે કડક કાર્યવાહી કરી છે. પંચે સતત છ વર્ષ સુધી ચૂંટણી ન લડનારા ગુજરાતના 10 રાજકીય પક્ષો સહિત 474 પક્ષોની માન્યતા રદ કરી દીધી છે. પંચે આ કાર્યવાહી બે તબક્કામાં કરી છે. આ પહેલા ઓગસ્ટમાં 334 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરાયું હતું. આમ છેલ્લા બે મહિનામાં કુલ 808 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.
રજીસ્ટ્રેશન રદ કરાયેલ 474 રાજકીય પાર્ટીએ કયાં કયાં રાજ્યોના
6 વર્ષ સુધી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેનારા પક્ષોનું રજીસ્ટ્રેશન રદ
ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 મુજબ આ કાર્યવાહી કરી છે. નિયમ મુજબ જો કોઈ પક્ષ સતત 6 વર્ષ સુધી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહે, તો તેનું રજીસ્ટ્રેશન રદ કરી શકાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, કોઈ રાજકીય પક્ષ ચૂંટણીમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ચૂંટણી લડતા નથી અને કર મુક્તિ અને અન્ય લાભોનો ફાયદો ઉઠાવતા હોય છે, ત્યારે ચૂંણી પંચ સમયાંતરે આવા પક્ષો કાર્યવાહી કરતી રહે છે.
બે તબક્કામાં કાર્યવાહી કરાઈ
2019થી જ ચૂંટણી પંચ આવા નિષ્ક્રિય પક્ષો સામે પગલાં લઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 9 ઓગસ્ટે અને બીજા તબક્કામાં 18 સપ્ટેમ્બરે આ કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણી પંચે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરી દીધું છે. પંચે ઉત્તર પ્રદેશના 121 પક્ષો, મહારાષ્ટ્રના 44, મધ્યપ્રદેશના 23, પંજાબના 21, હરિયાણાના 17 અને બિહારના 15 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે.
359 પક્ષો રડારમાં
આ 808 પક્ષો ઉપરાંત ચૂંટણી પંચના રડાર પર અન્ય 359 પક્ષો પણ છે, જેમણે છેલ્લા 6 વર્ષમાં ચૂંટણી લડી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમના નાણાકીય ઓડિટની માહિતી આપી નથી. આ પક્ષો દેશના 23 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. ચૂંટણી પંચની આ કડક કાર્યવાહી રાજકીય પક્ષોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
476 પક્ષોને કારણદર્શક નોટિસ
ચૂંટણી પંચે 11 ઓગસ્ટના રોજ પણ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં કહેવાયું હતું કે, 476 પક્ષોને તાત્કાલિક રદ કરવામાં આવશે નહીં. સંબંધિત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને (CEO) આ પક્ષોને કારણદર્શક નોટિસ પાઠવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પક્ષોને સુનાવણી માટે પણ તક આપવામાં આવશે. CEOsના અહેવાલના આધારે, ECI અંતિમ નિર્ણય લેશે.
જાણો નિયમ
ભારતમાં રાજકીય પક્ષોની નોંધણી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 29A હેઠળ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. એકવાર પક્ષની નોંધણી થયા બાદ, તેને પ્રતીક અને કર મુક્તિ જેવા વિશેષાધિકારો મળે છે. જો કોઈ નોંધાયેલો પક્ષ સતત 6 વર્ષ સુધી કોઈપણ ચૂંટણીમાં ભાગ ન લે, તો તેને નોંધાયેલા પક્ષોની યાદીમાંથી દૂર કરી શકાય છે. પંચેએ 2019થી સતત 6 વર્ષ સુધી એક પણ ચૂંટણી ન લડનારા બિન-માન્ય રાજકીય પક્ષો (Registered Unrecognised Political Parties - RUPPs)ને ઓળખીને તેમને યાદીમાંથી કાઢી નાખવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.