India

OBC ક્રીમી લેયરમાં પગાર નહીં ગણાય! સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કેન્દ્રની અરજી ફગાવી

By GS Team
6 Nov 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે OBC અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવા અંગે કેન્દ્ર સરકારની સુધારા અરજી ફગાવી દીધી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, ક્રીમી લેયર નક્કી કરતી વખતે માતા-પિતાના પગારની આવક ગણતરીમાં લેવાશે નહીં. ક્રીમી લેયરનું નિર્ધારણ માતા-પિતાના હોદ્દા અને સેવા સંબંધિત સ્થિતિના આધારે થશે, આવકના આધારે નહીં. આ નિર્ણય પૂર્વવર્તી લાગુ પડશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

OBC ક્રીમી લેયરમાં પગાર નહીં ગણાય! સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કેન્દ્રની અરજી ફગાવી

Supreme Court On OBC Creamy Layer :OBC અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સુધારા અરજી ફગાવી દીધી છે. અદાલતે પોતાનો આદેશ યથાવત્ રાખતાં સ્પષ્ટ કહ્યું કે, OBC અનામત માટે ક્રીમી લેયર નક્કી કરતી વખતે ઉમેદવારના માતા-પિતાની પગારમાંથી થતી આવક ગણતરીમાં લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, ક્રીમી લેયરનું નિર્ધારણ માતા-પિતાની વાર્ષિક આવકને બદલે તેમના હોદ્દા અને સેવા સંબંધિત સ્થિતિના આધારે કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી દીધી કે, આ નિર્ણય પૂર્વવર્તી એટલે કે રેટ્રોસ્પેક્ટિવ એટલે કે અગાઉની તારીખથી લાગુ થશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ 'યુનિયન ઑફ ઇન્ડિયા વિરુદ્ધ રોહિત નાથન' કેસમાં અદાલતે આ મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી.

ક્રીમી લેયર નક્કી કરવા અંગેનો નિયમ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ક્રીમી લેયરનું નિર્ધારણ સંપૂર્ણપણે 'ઈનકમ-બેઝ્ડ' નથી પરંતુ 'સ્ટેટસ-બેઝ્ડ' એટલે કે પદ-આધારિત છે. આ માટે ઉમેદવારના માતા-પિતાનો સરકારી હોદ્દો (જેમ કે Group A, B, C કે D) ધ્યાને લેવો જરૂરી છે. સામાન્ય રીતે વાર્ષિક 8 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ક્રીમી લેયરમાં ગણવામાં આવે છે, પરંતુ 1993ના મૂળ ઑફિસ મેમોરેન્ડમ મુજબ પગાર અને ખેતીની જમીનમાંથી થતી ઉપજને આ 8 લાખની ગણતરીમાંથી સખત રીતે બહાર રાખવામાં આવી છે.

કેન્દ્ર સરકારે કરી હતી આ રજૂઆત

કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં મુખ્ય માંગણી કરી હતી કે, આ ચુકાદાને જૂની તારીખથી નહીં પરંતુ ભવિષ્યની તારીખથી લાગુ કરવાનો આદેશ આપવામાં આવે. સરકારની દલીલ હતી કે જો 11 માર્ચના નિર્ણયને અગાઉની તારીખોથી લાગુ કરવામાં આવે તો વર્ષ 2012થી અત્યાર સુધી થયેલી સરકારી નિમણૂકો, IAS, IPS, IFS જેવી સર્વિસ એલોકેશન અને સિનિયોરિટી લિસ્ટ ફરીથી બદલવી પડશે. આના કારણે વહીવટી તંત્ર અસ્તવ્યસ્ત થઈ શકે છે. આ ઉપરાંત PSU, બેંકો અને ખાનગી ક્ષેત્રના પદોની સરકારી રેન્ક સાથે સરખામણી કરવા સમાન નીતિ ઘડવા માટે સરકારે 2 વર્ષનો સમય માંગ્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો ન હતો.

શું છે ઓબીસી ક્રીમી લેયર?

સરકારી સેવાઓમાં ઓબીસી સમુદાયને અનામતનો લાભ આપવામાં આવે છે. જોકે, આ કેટેગરીમાં સામાજિક અને આર્થિક રીતે સક્ષમ એવા વર્ગને ક્રીમી લેયર ગણીને અનામતથી અલગ રાખવામાં આવે છે. તેના માટે વાર્ષિક આવકમર્યાદા 8 લાખ રૂપિયા નિર્ધારિત થયેલી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ PSU કે ખાનગી ક્ષેત્રમાં ફરજ બજાવતા માતા-પિતાના પગારની આવકના આધારે સંતાનોને ક્રીમી લેયરમાં ગણી શકાય નહીં.