For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિંમતવાન જવાનોનાં બલિદાન વ્યર્થ નહીં જાય : મોદી

- દાવાઓ બહુ થયા, હવે સરકાર પગલાં ભરે : વિપક્ષોની માગણી

- વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરીને ઘટનાની જાણકારી મેળવી

Updated: Feb 14th, 2019

Article Content Image

રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારને આશ્વાસન આપ્યું 

શ્રીનગર, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલાને તમામ પક્ષોના નેતાઓએ વખોડી કાઢ્યો હતો અને સરકાર તુરંત યોગ્ય પગલાં ભરે એવી માગણી કરી હતી. વિપક્ષોએ સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે સરકારે દાવાઓ બહુ કર્યા, હવે આતંકવાદ સામે પગલાં ભરવાનો સમય આવી ગયો છે.

સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોના પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે આખો દેશ પરાક્રમી અને હિંમતવાન જવાનોના પરિવારોના ખભા સાથે ખભો મિલાવીને ઉભો છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. મોદીએ ગૃહમંત્રી સાથે વાત કરીને ઘટના અંગે ચર્ચા કરી હતી. 

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ દુ:ખી છું. આ કાયરતાપૂર્ણ હુમલાનો સરકાર તાત્કાલિક જવાબ આપે. જેમને ઈજા થઈ છે તે તુરંત સાજા થાય એ માટે હું પ્રાર્થના કરીશ. પ્રિયંકા ગાંધીએ સભામાં બે  મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તિએ આ ઘટનાની ટીકા કરીને યોગ્ય પગલાં ભરવાની માગ કરી હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું હતું કે જવાનોના રક્તના એક એક કતરાનો બદલો લેવાશે અને આતંકવાદીઓને યોગ્ય જવાબ અપાશે. 

Gujarat