Get The App

‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
‘આતંક શહેરોને હચમચાવી શકે, પણ આપણા આત્માને નહીં’ દિલ્હી બ્લાસ્ટ મામલે નેતન્યાહૂએ દુઃખ વ્યક્ત કર્યું 1 - image


Israeli PM Benjamin Netanyahu On Delhi Blast : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક વિસ્ફોટ બાદ અનેક દેશોએ શોક વ્યક્ત કર્યો છે, ત્યારે ઈઝરાયલે ભારત પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને મજબૂત એકતા દર્શાવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની જનતાના નામે ખાસ સંદેશ લખ્યો હતો.

આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયલ ભારતની સાથે : નેતન્યાહૂ

પીએમ નેતન્યાહૂએ સંદેશમાં કહ્યું કે, ‘અમારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના બહાદુર લોકો માટે હું અને આખું ઈઝરાયલ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આતંક અમારા શહેરો પર હુમલો કરી શકે છે, પરંતુ આતંક અમારી આત્માઓને ક્યારેય તોડી નહીં શકે. ભારત અને ઈઝરાયલની પ્રાચીન સભ્યતાઓ આજે પણ પોતાના મૂલ્યો પર ટકી રહી છે અને આતંકવાદ સામે મજબૂતીથી ઊભા છે.’

ઈઝરાયલના વિદેશ મંત્રી ગિડોન સારે પણ ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કહ્યું કે, ‘અમે ભારત અને પીડિત પરિવારોની સાથે છીએ.’

NIA દ્વારા તપાસ શરુ, આતંકી ષડયંત્રની આશંકા

10 નવેમ્બરે સાંજે લગભગ સાત વાગ્યે લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ પર એક કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ પર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ આ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)ને સોંપાઈ છે. 

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલા યુવક પર પડી હતી.

આ પણ વાંચો : ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા

Tags :