આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
Putin talked PM Modi on Phone about Pahalgam Support: 22 એપ્રિલના રોજ પહલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતમાં તણાવનું વાતાવરણ છે. એવામાં રશિયાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવાની પ્રતિબદ્ધતાની વાત ફરી કરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી.
આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપીશું: રશિયા
આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર શોક પણ વ્યક્ત કર્યો. તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી.'
પીએમ મોદીએ પુતિનને વાર્ષિક સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું
જયસ્વાલે કહ્યું, 'પુતિને એ વાત પર ભાર મૂક્યો કે આ જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સાથીઓને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. તેમજ બંને નેતાઓએ ભારત-રશિયાની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની વાત કરી. પીએમ મોદીએ પુતિનને વિજય દિવસની 80મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી અને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.'
પાકિસ્તાનને લાગશે ઝટકો
રશિયાએ ભારતની મદદ કરવાનું વચન આપ્યું છે. પાકિસ્તાન સરકાર અને મંત્રીઓનું કહેવું છે કે આમારી પાસે પરમાણુ હથિયાર છે, જેના કારણે યુધ્ધમાં ગંભીર પરિણામ આવી શકે છે. એવામાં રશિયાનું આ પગલું પાકિસ્તાન માટે એક ઝટકા જેવું છે.