Get The App

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો 1 - image

- સટ્ટારૂપી ટ્રેડ સામે રિઝર્વ બેન્કની લાલ આંખ

- તાજેતરમાં 95ની ટોચે પહોંચેલો ડોલર ઝડપી ગબડયો : પાઉન્ડ તથા યુરો સામે પણ રૂપિયો ઉછળ્યો: જાપાન-ચીનની કરન્સીમાં પીછેહઠ 

અમદાવાદ : વૈશ્વિક અનિશ્ચિતતાઓ પાછળ અમેરિકન ડોલર સામે રૂપિયામાં એકધારી પીછેહઠ થતા ૯૫ના તળિયે ઉતરી આવ્યા બાદ આજે રિઝર્વ બેંક દ્વારા સટ્ટારૂપી પ્રવૃત્તિને કાબુમાં રાખવા ભરેલા વિવિધ પગલાને કારણે હુંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૧૭૦ પૈસા ઉછળ્યો હતો. આજના આ ઉછાળાએ ૧૩ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. 

આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર કડાકો બોલાઈ જતાં રૂપિયો તળિયેથી સ્પ્રીંગની જેમ ઉછળ્યો હતો. ડોલરના ભાવ પાછલા સત્તાવાર બંધ ભાવ ૯૪.૭૮ સામે ગુરૂવારે સવારે ભાવ રૂ.૯૩.૫૩ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૩.૬૮ તથા નીચામાં ભાવ ગબડી રૂ.૯૨.૮૨ થઈ રૂ.૯૩.૦૮ રહ્યા હતા. મુંબઈ શેરબજાર આજે આરંભમાં ઉછળ્યા પછી ફરી ઘટતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટયા પછી ફરી ઉંચકાયાના સમાચાર વચ્ચે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા તથા ડોલરના ભાવમાં ખાસ્સી ઉછળકૂદ દેખાઈ હતી.  ગુરૂવારે રૂપિયા સામે ડોલરના ભાવ એકંદરે ૧૭૦ પૈસા તૂટી ગયા હતા.ડોલર સામે રૂપિયામાં ગુરૂવારે નોંધાયેલો ઉછાળો પાછલા ૧૩ વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો હતો. છેલ્લે ૨૦૧૩ના સપ્ટેમ્બરમાં રૂપિયામાં  આવી તેજી દેખાઈ હતી.હુંડિયામણ બજાર મંગળવાર તથા બુધવારે બંધ રહી હતી એ દરમિયાન બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા અને ગુરૂવારે બજાર સત્તાવાર ફરી ખુલી ત્યારે રૂપિયામાં તેજીનો માહોલ ઉદભવ્યો હતો. 

રૂપિયા-ડોલરના ટ્રેડિંગમાં સટ્ટારૂપી પ્રવૃત્તિને કાબુમાં રાખવા રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓની  અસર હુંડિયામણ બજાર પર જોવા મળી છે તથા રૂપિયો જે તાજેતરમાં ગબડી નીચામાં રૂ.૯૫ના રેકોર્ડ તળિયે ઉતરી ગયો હતો તે ત્યારબાદ ઝડપથી બાઉન્સ બેક થતો જોવા મળ્યો હતો. 

કરન્સીના ઓફ શોર ડેરીવેટીવ્ઝ ટ્રેડિંગ પર રિઝર્વ બેન્ક દ્વારા અંકુશો મુકાયા હતા. આ પૂર્વે બેન્કોેની દૈનિક ટ્રેડિંગની નેટ ઓપન પોઝીશનની  મર્યાદા પણ રિઝર્વ બેન્ક દ્વારા ઘટાડવામાં આવી હતી. આવી મર્યાદા રિઝર્વ બેન્ક દ્વારા ૧૦ કરોડ ડોલરની કરાઈ હતી. દરમિયાન, ભારત સરકારની જીએસટીની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થયાના સમાચારની પણ રૂપિયા પર પોઝીટીવ ઈમ્પેકટ દેખાઈ હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૯૯.૪૫ થયા પછી ઉછળી ઉંચામાં ૧૦૦.૧૭ થઈ ૧૦૦.૧૫ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૧૪ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૨૨.૫૩ થઈ રૂ.૧૨૨.૬૪ રહ્યા હતા યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯૦ પૈસા તૂટી નીચામાં રૂ.૧૦૭ થઈ  રૂ.૧૦૭.૧૦ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૨.૬૩ ટકા ગબડી હતી જ્યારે ચીનની કરન્સી ૧.૭૯ ટકા તૂટી હતી.

ફોરેક્સ ભાવ

ડોલર

રૂ. ૯૩.૦૮

પાઉન્ડ

રૂ. ૧૨૨.૬૪

યુરો

રૂ.૧૦૭.૧૦

યેન

રૂ. ૦.૫૮