નવા મતદારો માટે નવો નિયમ, ચૂંટણીકાર્ડ બનાવવા માતા-પિતા કે દાદા-દાદીની SIR ની વિગતો આપવી જરૂરી, ફોર્મ-6માં ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Election Commission Form-6 changes: દેશના ઘણા રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવા મતદારોની નોંધણી માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતા ફોર્મ-6માં આ મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો છે. હવેથી નવા મતદારોએ વોટર લિસ્ટમાં પોતાનું નામ ઉમેરાવતી વખતે એ સ્પષ્ટ કરવું પડશે કે, પાછલા SIR દરમિયાન તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હતું કે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવો ફેરફાર હાલમાં માત્ર ઓનલાઇન ફોર્મ સબમિશનમાં જ ઉપલબ્ધ કરાવાયો છે, જ્યારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવતી ફોર્મની હાર્ડ કોપીમાં હજુ આ ઓપ્શન ઉમેરાયો નથી.
કરોડો મતદારોના નામ કપાતા નવો પડકાર
આ નવા નિયમને કારણે એવા પરિવારો સામે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે જેમના નામ યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, દેશના 10 રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા બાદ અંદાજે 5.58 કરોડ લોકોના નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જો કોઈ અરજદારના માતા-પિતા કે દાદા-દાદીનું નામ યાદીમાં ન હોય, તો તેના બાળકો કે પૌત્ર-પૌત્રીઓને નવી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે કે નહીં. પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયાને લઈને ઘણો વિવાદ પણ થયો હતો, જ્યાં વિધાનસભા ચૂંટણી પહેલા જ 27 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ મતદાન કરી શક્યા નહોતા.
ઓનલાઇન ફોર્મમાં ઉમેરાયા નવા સેક્શન
ચૂંટણી પંચના ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ ડિકલેરેશન ફોર્મ-6માં ખાસ કરીને 'J' અને 'K' સેક્શન જોડવામાં આવ્યા છે. આ સેક્શનમાં અરજદારો પાસે તેમના માતા-પિતા અથવા દાદા-દાદીની વિગતો માંગવામાં આવી છે, જેમાં ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે:
પહેલો વિકલ્પ: જો તમારું નામ અગાઉની SIRમાં સામેલ હતું, તો આ ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
બીજો વિકલ્પ: જો તમારું નામ નહોતું, પરંતુ તમારા માતા-પિતા કે દાદા-દાદીનું નામ અગાઉની યાદીમાં હતું, તો આ ઓપ્શન સિલેક્ટ કરવો.
(નોંધ: જો તમે પહેલો કે બીજો ઓપ્શન પસંદ કરશો, તો તમારે તેમના ચૂંટણી કાર્ડની વિગતો જેમ કે- વિધાનસભા વિસ્તાર અને મતદાર યાદીનો સિરિયલ નંબર પણ આપવો પડશે.)
ત્રીજો વિકલ્પ: જો પાછલી યાદીમાં તમારું કે તમારા પરિવારના કોઈ સભ્ય (માતા-પિતા કે દાદા-દાદી)નું નામ નહોતું, તો આ ત્રીજો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. આ ઓપ્શન પસંદ કર્યા પછી આગળ કોઈ વધારાની વિગતો આપવાની રહેતી નથી.
આ સુવિધા હાલમાં માત્ર એવા રાજ્યોના ઓનલાઇન પોર્ટલ પર જ ઉપલબ્ધ છે જ્યાં વર્ષ 2025-26 દરમિયાન SIR કરવામાં આવ્યું છે. બિહાર અને આસામ જેવા રાજ્યોને આમાંથી અલગ રાખવામાં આવ્યા છે.
ફોર્મમાં ફેરફાર કરવાનો અધિકાર કોની પાસે?
કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો ચૂંટણી પંચ પાસે પોતાની મરજીથી ફોર્મ-6માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સીધો અધિકાર નથી. 'રિપ્રઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950'ની કલમ 28 હેઠળ નિયમોમાં સંશોધન કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે જ છે. બંધારણની કલમ 326 અનુસાર, દેશના દરેક વયસ્ક નાગરિકને મતદાર યાદીમાં નામ નોંધાવવાનો મૂળભૂત અધિકાર છે, સિવાય કે તેને કોઈ કાયદાકીય કારણોસર અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય.
નિષ્ણાતો અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોર્મ-6માં કોઈ પણ નવો કોલમ કે ફેરફાર ઉમેરતા પહેલા કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવું અનિવાર્ય છે. ચૂંટણી પંચ સરકારની મંજૂરી વગર ફોર્મમાં નાનો ફેરફાર પણ કરી શકતું નથી. અગાઉ વર્ષ 2021માં સંસદ દ્વારા કાયદામાં સુધારો કરીને ચૂંટણી પંચને મતદારોના ઓળખકાર્ડ લિંક કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનું નોટિફિકેશન ફેબ્રુઆરી 2022માં જાહેર કરાયું હતું. આ નવા ફેરફાર અંગે પણ આગામી સમયમાં કાયદાકીય સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે.









