કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત, 16000 પશુના સેમ્પલ લેવાયા, કેન્દ્ર સરકાર હરકતમાં
Kedarnath Dham : ઉત્તરાખંડમાં ચારેય ધામના કપાટ ખુલી ગયા બાદ દૈનિક હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે, જોકે આ દરમિયાન કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં વાયરસના કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત થયા છે. આ ઉપરાંત 152 પશુઓ પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ વહિવટીતંત્રએ ઘોડા-ખચ્ચરની સવારી પર 24 કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે. બીજીતરફ કેન્દ્ર સરકારે સંક્રમણના કારણે પશુઓના મોત થયા બાદ તુરંત દિલ્હીથી ટીમ રૂદ્રપ્રયાગ રવાના કરી દીધી છે.
16000થી વધુ પશુઓના સેમ્પલ લેવાયા
મળતા અહેવાલો મુજબ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ઘોડા અને ખચ્ચરોમાં એક્કાઈન ઇન્ફ્લૂએન્જા વાયરસ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ પશુપાલન વિભાગે તુરંત હરકતમાં આવી પશુઓની તપાસ અને સારવાર શરૂ કરી દીધી છે. વિભાગે 4થી 30 એપ્રિલ સુધીમાં 16000 હજારથી વધુ ઘોડા-ખચ્ચરોની સ્ક્રીંનિંગ કરવાની સાથે સેમ્પલ એકઠા કર્યા છે.
આ પણ વાંચો : ‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો
સીરો સેમ્પલિંગમાં 152 પશુઓનો રિપોર્ટ પોઝિટિવ
આરોગ્ય તંત્રએ દોડધામ કરીને પશુઓના સીરો સેમ્પલિંગ લેતા 152 પશુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે પશુઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા બે દિવસમાં 14 પશુઓના મોત થયા હડકંપ મચી ગયો છે. સરકાર અને તંત્રની ટીમ એલર્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ સંબંધીત અધિકારીઓને સાવધાની રાખવા તેમજ સ્થિતિ પરર કાબૂ મેળવાનો નિર્દેશ આપ્યો છે.
‘એક્કાઈન ઇન્ફ્લૂએન્જા વાયરસથી પશુઓના મોત વાયરસથી થયા નથી’
પશુપાલન વિભાગના સચિવ ડૉ.બીવીઆરસી પુરુષોત્તમ રૂદ્રપ્રયાગ પહોંચી ગયા છે. તેમણે એક્કાઈન ઇન્ફ્લૂએન્જા વાયરસથી પશુઓના મોત થયા હોવાને ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને હરિયાણાથી એક સ્પેશિયલ ટીમ તપાસ કરવા માટે રૂદ્રપ્રયાગ આવી રહી છે. ટીમની તપાસ બાદ જ પશુઓના મોતના કારણો સામે આવશે. હાલ કેદારનાથમાં ઘોડા અને ખચ્ચરનાં સંચાલન પર 24 કલાકનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. શ્રદ્ધાળુઓને પગપાળા, પાલખીનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે. જો પ્રતિબંધ દરમિયાન કોઈ પશુઓનું સંચાલન કરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો : VIDEO: ઈન્ડોનેશિયામાં ખીચોખીચ ભરેલી બસ પલટી, મહિલા-બાળકો સહિત 12ના મોત, 23ને ઈજા