દરેક મંડળ, દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજવામાં આવશે', RSSએ ઘર-ઘર સંપર્કની પણ બનાવી યોજના
RSS Hindu Sammelan : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની દિલ્હી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દેશની સુરક્ષા સાથે સાથે મણિપુરની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. હાલમાં મણિપુરની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે, જોકે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. સંઘનું કહેવું છે કે, દેશ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કરી રહ્યો છે. સંઘ આ વિકાસને દરેક દૃષ્ટિએ સર્વસમાવેશક બનાવવા માટે કામ કરશે. એ માટે દરેક મંડળ અને દરેક વસાહતમાં હિન્દુ પરિષદોનું આયોજન કરવામાં આવશે. 11360થી વધુ સામાજિક સંવાદિતા સભાઓનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે વિજયાદશમીએ સ્વયંસેવકો સંઘના ડ્રેસ કોડમાં પહોંચશે અને લોકો સાથે સંપર્ક કરશે.
'હિન્દુ સમાજના તમામ વર્ગોને એક કરવાની યોજના'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'સમાજને મજબૂત બનાવવા માટે ઘરે ઘરે સંપર્ક કરવાની સંઘની યોજના છે. સંઘના તમામ સંગઠનાત્મક 924 જિલ્લાઓમાં રાષ્ટ્ર અને હિન્દુત્વના મહત્ત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સંઘે દરેક સમાજ અને દરેક વર્ગના લોકો સુધી પહોંચવાની યોજના બનાવી છે. આ માધ્યમ દ્વારા હિન્દુ સમાજના તમામ વર્ગોને એક કરવાની યોજના છે.'
'પારિવારિક અને સામાજિક મૂલ્યોને મજબૂત કરાશે'
દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં સંઘે સ્વીકાર્યું કે, 'દેશ દરેક દિશામાં આગળ વધી રહ્યો છે. તેમાં દેશ-વિદેશ, શિક્ષણ, વેપાર અને આર્થિક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પરંતુ તેની સાથે સાથે સંઘ પારિવારિક અને સામાજિક મૂલ્યોને મજબૂત બનાવવાનું કામ કરશે. તેની પાછળનો ઉદ્દેશ્ય સમાજને દરેક ક્ષેત્રમાં ભાગીદાર બનાવવા અને સમાજને સર્વસમાવેશક બનાવવાનો છે. પંચ પરિવર્તન દ્વારા દેશ અને સમાજને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાની પણ યોજના છે.'
'એપ્રિલથી જૂન દરમિયાન આયોજિત તાલીમ શિબિરો પૂર્ણ '
તેમણે કહ્યું કે, 'એપ્રિલથી જૂન દરમિયાન આયોજિત તાલીમ શિબિરો પૂર્ણ થઈ ગઈ છે. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આયોજિત સંઘ શિક્ષા વર્ગમાં 17609 લોકોએ પ્રશિક્ષણ તાલીમ મેળવી. 8812 સ્થળોએથી આવેલા શિક્ષાર્થીઓએ તાલીમ મેળવી. 40થી 60 વર્ષની ઉંમરના 4270 લોકોએ સંઘ શિક્ષા વર્ગમાં ભાગ લીધો છે. તેમાં શિક્ષિત વર્ગથી લઈને ખેડૂતો અને શ્રમિકો સુધીના દરેકનો સમાવેશ થાય છે.'
આ પણ વાંચો: દેશમાં પહેલીવાર લોકો ખુદ ભરી શકશે વસ્તીગણતરીનું ફોર્મ, કેન્દ્ર સરકારની ખાસ તૈયારી
4-6 જુલાઈએ દિલ્હીમાં અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક મળી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક 4-6 જુલાઈના રોજ દિલ્હીના ઝંડેવાલન સ્થિત સંગઠનના કાર્યાલય કેશવકુંજ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં RSS વડા મોહનજી ભાગવત, દત્તાત્રેય હોસાબલે, અરુણ કુમાર સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંગઠનના 46 પ્રાંતોના વડાઓ અને સહપ્રમુખ સહિત અનેક વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.