ભાષા વિવાદ વચ્ચે RSSની પ્રથમ મોટી પ્રતિક્રિયા, કહ્યું - 'ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષા છે'
RSS On Language Row: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રાંતીય પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક રવિવાર(6 જુલાઈ)ના રોજ પૂર્ણ થઈ હતી. બેઠકમાં સંઘના શતાબ્દી વર્ષ માટેની સંગઠનાત્મક બાબતો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંગઠને દેશ સામેના વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની સાથે ભાષા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. સંઘ હંમેશા માનતો રહ્યો છે કે ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે અને બધા લોકો પહેલાંથી જ પોતાની ભાષામાં શિક્ષણ મેળવે છે.
RSS પ્રવક્તા સુનીલ આંબેકરે સોમવારે (7 જુલાઈ) એક પ્રેસ કોન્ફરન્સ યોજી ભાષા વિવાદ મુદ્દે જણાવ્યું હતું કે, આરએસસે હંમેશાથી ભારતની તમામ ભાષાઓને રાષ્ટ્રીય ભાષા માને છે. તેમજ પ્રાથમિક શિક્ષણ પોતાની પ્રાદેશિક ભાષામાં લેવા સમર્થન આપે છે. આરએસએસ માતૃભાષા બોલવા પર પ્રાધાન્ય આપે છે. પરંતુ તે એક જ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે અપનાવવા સમર્થન આપતું નથી. તમામ ભાષાઓને માન આપે છે.
સરહદી વિસ્તારોમાં સંઘ દ્વારા થયેલા કાર્યો પર ચર્ચા
આંબેકરે આગળ જણાવ્યું કે, બેઠકમાં મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સંઘના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. સંઘ દ્વારા મૈતેઈ સમુદાયના લોકો વચ્ચે સંઘ દ્વારા થઈ રહેલા કાર્યોની ચર્ચા થઈ હતી. મણિપુરમાં ઘણી બાબતોમાં સુધારો થયો હોવાનો દાવો પણ કરતાં કહ્યું કે, થોડો સમય લાગશે, પણ મણિપુરની સ્થિતિ સુધરશે.
આરએસએસ દ્વારા ટ્રેનિંગ
વધુમાં, તેમણે જણાવ્યું કે આ વર્ષે બેઠકમાં સંઘે ટ્રેનિંગ ક્લાસ પણ ચર્ચા કરી હતી. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 75 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. 17690 સ્વયંસેવકોએ તાલીમ લીધી હતી. જેમાં 8812 સ્થળોના લોકોએ ભાગ લીધો હતો. 40થી 60 વર્ષની વય જૂથ માટે 25 ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 4270 લોકોએ તાલીમ લીધી હતી.