VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન આપતાં અટવાયા’
India-Pakistan Tension : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા શરુ થઈ ગયા છે. આતંકીઓની પ્રવાસીઓ પર ક્રૂરતા બાદ ભારતે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપતાં તેના અનેક નાગરિકો પાકિસ્તાન જતા રહ્યા છે. બીજી તરફ તેણે નફ્ફટાઈની હદ વટાવી પોતાના જ નાગરિકો માટે ભારતના અમૃતસર અને પાકિસ્તાનના લાહોર સ્થિત અટારી-વાઘા સરહદ ગઈકાલે (1 મે) બંધ કરી દીધી હતી, જેના કારણે ગઈકાલે 70થી વધુ પાકિસ્તાની નાગરિકો અટારી સરહદ પર ફસાઈ ગયા હતા. જોકે હવે તેણે આ સરહદ ખોલી નાખી છે અને પોતાના નાગરિકોને પરત લેવાનું શરુ કરી દીધું છે.
ભારતે અમારા નાગરિકોને સરહદ પાર કરવાની મંજૂરી ન આપી : પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્વીકાર કર્યો છે કે, ‘બાળકો સહિત પાકિસ્તાની નાગરિકો ભારતના અટારી સરહદ પર ફસાયા હોવાનો મીડિયા દ્વારા રિપોર્ટ મળ્યો છે. જેમાં કહેવાયું છે કે, અટારી બોર્ડર પર કેટલાંક પાકિસ્તાની નાગરિકો ફસાઈ ગયેલા છે. જો ભારતીય અધિકારી સરહદ પાર કરવાની મંજૂરી આપશે તો અમે અમારા નાગરિકોનો સ્વીકાર કરવા માટે તૈયાર છીએ.’
માત્ર પાકિસ્તાની પાસપોર્ટ ધારકોને જ પરત લીધા
તેમણે કહ્યું કે, ‘પરત ફરવાની ઇચ્છા રાખનારા પાકિસ્તાની નાગરિકો માટે ભવિષ્યમાં પણ વાઘા સરહદ ખુલ્લી રહેશે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાને માત્ર પાકિસ્તાન પાસપોર્ટ ધારકોને જ પરત લીધા છે. જે લોકો પાસે પાસપોર્ટ નથી, તેમને ત્યાં જ અટકાવી દેવાયા છે.
NORI વિઝા ધારકોને મંજૂરી નહીં
અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. બીએસએફએ દરવાજા ખોલી દીધા છે. માન્ય પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતાં લોકોને પાકિસ્તાનમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. જોકે, NORI (ભારત પરત ફરવા માટે કોઈ વાંધો નહીં) વિઝા ધારકોને મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે ઘણા પરિવારોમાં નિરાશા ફેલાઈ છે.
ઉત્તર પ્રદેશના એક રહેવાસી કહે છે, ‘અમે ગઈકાલથી અહીં અટવાઈ ગયા છીએ. હું મારી બહેનને છોડવા આવ્યો છું, જેના લગ્ન લાહોરમાં થયા છે. NORI વિઝા ધારકોને હજુ પણ સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. બે દિવસ પહેલાં જ 16 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. હું બંને સરકારોને વિનંતી કરું છું કે NORI વિઝા ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે.’
પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાથી માંડી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા જેવા આકરા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટે આપેલું અલ્ટીમેટમ દૂર કરતાં વધુ સમય આપ્યો હતો. ભારતે આગામી આદેશ સુધી અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાનીઓને વતન પરત ફરવાની મુદ્દત આપી છે. જ્યારે પાકિસ્તાને ગઈકાલે વાઘા બોર્ડરના દરવાજા બંધ કરી દેતાં નાગરિકો બંને દેશોની સરહદ પર અટવાયા હતા. તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાન તરફથી દરવાજો ન ખૂલતાં નાગરિકો આકરા તડકામાં રસ્તાઓ પર રહેવા મજબૂર બન્યા છે, જોકે હવે પાકિસ્તાને માત્ર પાકિસ્તાની પોસપોર્ટ ધારકોને પરત લેવાનું શરુ કરી દીધું છે.
આ પણ વાંચો : 'પહલગામમાં હુમલો કરતા પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો...', NIAનો દાવો
પાકિસ્તાની નાગરિકોને હેરાનગતિ
ભારત સરકારના આદેશાનુસાર, ભારતની મુલાકાતે આવેલા તેમજ ભારતમાં વસતાં ઘણા પાકિસ્તાની નાગરિકો સવારે 8.30 વાગ્યે બોર્ડર પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતાં જ જાણવા મળ્યું કે, બોર્ડરનો દરવાજો બંધ છે. આગળ જઈ શકાશે નહીં. ભીષણ ગરમીમાં ભૂખ્યા પેટે નાગરિકો રાહ જોઈ રહ્યા છે. તમામ લોકો ખૂબ પરેશાન થયા છે.
દ્વિપક્ષીય તણાવ વધારવાનો પ્રયાસ
પાકિસ્તાન એકબાજુ વિશ્વ સમક્ષ શાંતિ ઉકેલનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. તો બીજી બાજુ અવળચંડાઈ કરી ભારત સાથે તણાવ વધારી રહ્યું છે. તે છેલ્લા સાત દિવસથી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત સાથે યુદ્ધ કરવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. તેમાં આજે અટારી-વાઘા બોર્ડરના દરવાજો ખોલવાનો ઇન્કાર કરી દીધો હતો. પાકિસ્તાનની આ અવળચંડાઈ ભારત સાથેનો તણાવ વધારવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.