'પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો...', NIAનો દાવો
Pahalgam Terror Attack Investigation: પહલગામ હત્યાકાંડનું ષડયંત્ર અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો સંપૂર્ણ પર્દાફાશ કરવા માટે સુરક્ષા અને તપાસ એજન્સીઓ શક્ય હોય ત્યાં સુધી હુમલામાં સામેલ આતંકવાદીઓને જીવતા પકડવા પર ભાર મૂકી રહી છે.
આ દરમિયાન NIA(NIA Investigating Pahalgam Terror Attack)ને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને હત્યાકાંડના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.
જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાકાંડ પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો.
હુમલો લશ્કર-એ-તૈયબાએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કર્યો
આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ફોનની વિગતો એકત્રિત કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની 'ઉશ્કેરણી' વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ
આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે આતંકવાદીઓએ બેસરન પહલગામ પર કરેલા હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડેસવારનો સમાવેશ થાય છે. લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે(TRF) હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ TRF એ પાછળથી તેનો ઇન્કાર કર્યો હતો. તપાસ એજન્સીઓએ હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે.
આ હુમલામાં આતંકવાદી હાશિમ મૂસા સહિત ત્રણ પાકિસ્તાની અને આદિલ અને એહસાન શેખ નામના બે સ્થાનિક આતંકવાદીઓનો નામો સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આદિલ અને એહસાનના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આદિલ 2018માં વિઝા પર પાકિસ્તાન ગયો હતો. એક માહિતી પ્રમાણે તે બે વર્ષ પહેલાં જ પાછો ફર્યો હતો.