પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક
India Pakistan Tension: પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સરકાર અને સેના સતત યુદ્ધના ભય હેઠળ જીવી રહી છે. જેના ભાગરૂપે પાકિસ્તાને POKમાં આગામી 10 દિવસ માટે તમામ ધાર્મિક આયોજનો બંધ કરી દીધા છે. તેમજ 1000થી વધુ મદરેસાઓને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
POKના વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે પણ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લેતાં નીલમ ઘાટી અને એલઓસી નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પર્યટકોના પ્રવેશ પર રોક મૂકી છે. તેમજ ધાર્મિક મદરેસા 10 દિવસ માટે બંધ કરવા આદેશ આપ્યો છે. POKમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં બે પ્રકારના હીટવેવ
પાકિસ્તાની અધિકારી હાફિજ નાઝીર અહમદે જણાવ્યું હતું કે, અમને આશંકા છે કે, ભારત આ મદરેસાઓને આતંકવાદી ટ્રેનિંગ સેન્ટરમાની નિશાન બનાવી શકે છે. આ મદરેસાઓને અસ્થાયી ધોરણે બંધ કરવી એ રક્ષણાત્મક ઉપાય છે. આ નિર્ણય લેવા પાછળ બે પ્રકારના હીટવેવ જવાબદાર છે. એક મોસમી છે જ્યારે બીજો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોષના કારણે સર્જાયેલો હીટવેવ છે. પાકિસ્તાને અફરાતફરીની સંભાવનાઓને ધ્યાનમાં રાખતાં મેળાવડો ન કરવા તેમજ મદરેસાઓને બંધ કરવા નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની 'ઉશ્કેરણી' વચ્ચે અમેરિકા-ભારત વચ્ચે મોટી ડીલ
યુદ્ધની ભીતિ વચ્ચે POKમાં સાવચેતીના પગલાં
POKમાં ભારત દ્વારા યુદ્ધ થવાની ભીતિ વચ્ચે સ્થાનિક સરકારે ભોજન, દવાઓ અને અન્ય જરૂરી ચીજોનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. ઈમરજન્સી ફંડમાં એક અબજ પાકિસ્તાની રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. તેમજ હોટલ, ગેસ્ટહાઉસ અને લગ્નના હૉલના માલિકોને પોતાની સંપત્તિ સેનાને આપવા રજૂઆત કરી છે.
હવાઈ સેવાઓ પર પણ પ્રતિબંધ
કરાંચી અને લાહોરના હવાઈ ક્ષેત્રમાં મે મહિના દરમિયાન રોજના આઠ કલાક (સવારે આઠથી સાંજના ચાર વાગ્યા સુધી) ફ્લાઇટ્સ બંધ રાખવાની જાહેરાત થઈ છે. તેમજ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ ફ્લાઇટ્સ સેવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. વધુમાં ખરાબ હવામાનના કારણે ઈસ્લામાબાદમાં પાંચ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટને સ્થગિત અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.
ભારતની પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી
કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલામાં 26ના મોત બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત આક્રમક પગલાં લઈ રહ્યું છે. ભારતે સિંઘુ જળ સંધિ કરાર પર રોક, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓની સંખ્યામાં ઘટાડો સહિત વિવિધ પગલાં લીધા છે. પાકિસ્તાન માટે ભારતની એરસ્પેસ પણ બંધ કરવામાં આવી છે.