છૂટક મોંઘવારીના આંકડાએ ચિંતા વધારી, ખાદ્ય ચીજોના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India July Retail Inflation rate: જુલાઈ મહિનામાં મોંઘવારીએ સામાન્ય માણસનું આખું બજેટ ખોરવી નાખ્યું છે. ખાવા-પીવાની ચીજો ઉપરાંત મુસાફરી, કપડાં અને પર્સનલ કેરની વસ્તુઓ પણ સતત મોંઘી થઈ છે. સતત બીજા મહિને ફુગાવો આરબીઆઈ (RBI)ના નક્કી કરેલા લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે.
3 મુખ્ય બાબતો
શહેરોની સરખામણીએ ગામડાઓમાં ખાવા-પીવાની વસ્તુઓ વધુ મોંઘી થઈ.
આદુની મોંઘવારી 83% ને પાર પહોંચી, ડુંગળી અને લસણે રડાવ્યા.
ટામેટાં, વટાણા અને બટાકાના ભાવ ઘટવાથી સામાન્ય માણસને થોડી રાહત મળી.
જુલાઈ મહિનામાં મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ વધારી દીધો છે. સરકારી આંકડા મુજબ દેશનો છૂટક ફુગાવો (Retail Inflation Rate) જૂનના 4.38% થી વધીને જુલાઈમાં 4.45% પર પહોંચી ગયો છે. આ સતત બીજો મહિનો છે, જ્યારે ફુગાવાનો દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 4% ના નક્કી કરેલા લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. આ વધારા પાછળનું સૌથી મોટું કારણ ખાવા-પીવાની ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ છે.
રસોડાનું બજેટ ખોરવતી વસ્તુઓ
ખાવા-પીવાની વસ્તુઓની વાત કરીએ તો, કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ એટલે કે CFPI જૂનના 5.32% થી ઉછળીને જુલાઈમાં 5.52% થયો છે. શહેરોમાં 5.05% ના બદલે ગામડાઓમાં 5.79% ખાદ્યપદાર્થો વધુ મોંઘા થયા છે.
ડુંગળી, લસણ અને આદુ: જુલાઈમાં ડુંગળીનો ફુગાવો 4.73% થી વધીને 22.54% પહોંચ્યો છે. લસણની મોંઘવારી 17.93% થી વધીને 35.36% થઈ છે, જ્યારે આદુના ભાવ 50.41% થી છલાંગ લગાવીને 83.62% ના વિક્રમી સ્તરે પહોંચ્યા છે.
રાહત આપતી શાકભાજી: બટાકાના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 16.56% નો ઘટાડો થયો છે. આ સિવાય ભીંડા, વટાણા અને ટામેટાંના ભાવ ઘટ્યા છે.
ટ્રાન્સપોર્ટથી લઈને બ્યુટી પ્રોડક્ટ્સ સુધીનો મારો
ટ્રાન્સપોર્ટ: પરિવહન ફુગાવો 4.31% થી વધીને 4.43% થયો છે. માલ-સામાનની હેરફેરમાં આ આંકડો 7.77% નોંધાયો છે.
અન્ય સેવાઓ: રેસ્ટોરન્ટ સર્વિસમાં 7.72%, કપડાં-પગરખાંમાં 3.38% અને પર્સનલ કેરમાં ફુગાવો 14.77% ના ઉચ્ચ સ્તરે રહ્યો છે. આ સિવાય આરોગ્ય સેવાઓમાં 1.34% અને શિક્ષણમાં 3.64% ના દરે મોંઘવારી વધી છે.
RBIનો નવો અંદાજ
RBI ની મોનિટરિંગ કમિટીએ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે પોતાના ફુગાવાના અંદાજને 5.1% થી ઘટાડીને 5% કર્યો છે. સેન્ટ્રલ બેંકનું માનવું છે કે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મોંઘવારી તેની ટોચ પર પહોંચશે અને ત્યારબાદ ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે.









