For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'બંગાળમાં પદ્ધતિસર શિક્ષકોની ભરતીમાં કૌભાંડ કરાયું...' સુપ્રીમ કોર્ટે પ.બંગાળ સરકારનો ઉધડો લીધો

Updated: May 8th, 2024

'બંગાળમાં પદ્ધતિસર શિક્ષકોની ભરતીમાં કૌભાંડ કરાયું...' સુપ્રીમ કોર્ટે પ.બંગાળ સરકારનો ઉધડો લીધો

- શિક્ષકોની ભરતી રદ કરવાના ચૂકાદા પર સુપ્રીમનો વચગાળાનો સ્ટે

- સીબીઆઈ તપાસ ચાલુ રહેશે, ગેરકાયદે નિમણૂક મેળવનારા શિક્ષકોએ સરકારને પગાર પાછો આપવો પડશે : સુપ્રીમ કોર્ટ

- ઓએમઆર શીટ્સ અને આન્સર શીટ્સનો ડેટા ડિજિટલી જાળવવાની જવાબદારી સરકારની : મુખ્ય ન્યાયાધીશ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે 25 હજાર શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરી હતી. જોકે, આ સમયે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને વેધક સવાલ કર્યા હતા. આમ છતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે શિક્ષકોની ભરતી રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચૂકાદા પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. જોકે, હાઈકોર્ટના નિર્દેશ મુજબ સીબીઆઈ તપાસ ચાલુ રહેશે. આ કેસની વધુ સુનાવણી 16 જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કેસનો તાત્કાલિક ઉકેલ ન્યાયના હિતમાં હશે. અમે વચગાળાનું સંરક્ષણ ચાલુ રાખીએ છીએ. જોકે, ગેરકાયદે નિમણૂક મેળવનારાએ પગાર પાછો કરવાનો રહેશે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડની બેન્ચે બંગાળ સરકારને સવાલ કર્યો હતો કે, નિમણૂક પ્રક્રિયા સામે જ સવાલો ઊઠી રહ્યા હતા. આ પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી હતી ત્યારે વધારાના પદ પર ભરતી શા માટે કરવામાં આવી? વધારાના પદ પર નિમણૂકો કરવામાં આવી એટલું જ નહીં, વેઈટિંગ લિસ્ટમાં જે ઉમેદવારો હતા તેમની પણ નિમણૂક કરી દેવાઈ હતી.

જોકે, બંગાળ સરકારના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે, આ કેસમાં હકીકતમાં તો સીબીઆઈએ પણ નથી કહ્યું કે, 25000 શિક્ષકોની નિમણૂક ગેરકાયદે છે. શિક્ષક-વિદ્યાર્થીઓની સરેરાશથી બધી જ ગડબડ ઊભી થઈ છે. સ્કૂલ સેવા આયોગની ઝાટકણી કાઢતા બેન્ચે સવાલ કર્યો કે આટલા સંવેદનશીલ કિસ્સામાં ટેન્ડર કેમ જાહેર કરવામાં આવ્યું નહીં? 

સ્કૂલ સેવા આયોગ તરફથી વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું કે, વાસ્તવિક્તા એ છે કે શિક્ષકોની નિમણૂક રદ કરી દેવાનો કલકત્તા હાઈકોર્ટનો ચુકાદો જ ખોટો છે. આ પ્રકારનો આદેશ આપવો એ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં જ નથી. વધુમાં તે સુપ્રીમ કોર્ટના જ ચુકાદાથી વિપરિત છે. આ અંગે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે ભરતી પરીક્ષા સંબંધિત નકલોનો નાશ કેમ કરવામાં આવ્યો છે. ઓએમઆર શીટ અને આન્સર શીટ્સનું શું થયું? આ અંગે વકીલે કહ્યું કે, આ નકલો તો હવે મળી શકે તેમ નથી. ત્યારે સીજેઆઈએ કહ્યું કે, આવું કેવી રીતે થઈ શકે? ઓએમઆર શીટ્સની ડિજિટલ કોપી પોતાની પાસે રાખવી એ તો ભરતી પંચની જવાબદારી છે. આ સમયે વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું કે, જે એજન્સીને કામ આઉટસોર્સ કરાયું હતું તેની પાસે ડેટા છે.

સીજેઆઈએ સવાલ કર્યો કે, આરટીઆઈ અરજદારને ખોટી માહિતી અપાઈ હતી કે ડેટા તેમની પાસે છે. તમારી પાસે કોઈ ડેટા નથી. સરકારની ઝાટકણી કાઢતા સીજેઆઈએ કહ્યું કે, આ તો પદ્ધતિસરની છેતરપિંડી છે. સરકારી નોકરીઓ આજે દુર્લભ છે. તેમની નિમણૂકો પણ બદનામ કરાશે તો સિસ્ટમમાં શું રહી જશે? લોકો સિસ્ટમ પરથી વિશ્વાસ જ ગુમાવી દેશે. વધુમાં નોકરી ગુમાવનારા શિક્ષકોને હવે એ ચિંતા છે કે તેમણે અત્યાર સુધીનો પગાર સરકારને પાછો આપવો પડશે. આ કારણે તેમનું ભવિષ્ય અદ્ધર તાલ લટકી રહ્યું છે.

Gujarat