બેંક ગ્રાહકો માટે RBIનો મોટો નિર્ણય, સાયબર ફ્રોડમાં રાહત તો શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી, ડ્રાફ્ટ તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI New Draft Guidelines Bank Accounts: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના પ્રસ્તાવિત ફ્રેમવર્કમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા આખા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાને બદલે, જ્યાં શક્ય હોય ત્યાં માત્ર સંબંધિત રકમ પર જ અસ્થાયી ડેબિટ હોલ્ડ (રોક) લગાવવાની વ્યવસ્થા પ્રસ્તાવિત કરવામાં આવી છે.
પગાર એકાઉન્ટમાં આવી ગયો હોય, માસિક હપ્તા (EMI) ની તારીખ નજીક હોય, લાઈટ બિલ ભરવાનું હોય અને બાળકોની ફી પણ જમા કરાવવાની હોય, પરંતુ ત્યારે જ ખબર પડે કે બેંક એકાઉન્ટ પર ડેબિટ રોક લગાવી દેવામાં આવી છે. તો આવી સ્થિતિમાં ગ્રાહકની મુશ્કેલીઓ ખૂબ વધી જાય છે. હવે RBI એ એવો ડ્રાફ્ટ ફ્રેમવર્ક રજૂ કર્યો છે, જેનો હેતુ શંકાસ્પદ સાયબર ફ્રોડ અને મની મ્યુલ એકાઉન્ટ પર કાર્યવાહી કરવાની સાથે સામાન્ય ગ્રાહકોને થતી પરેશાની ઓછી કરવાનો છે.
શું બદલાવાનું છે?
RBI એ KYC નિર્દેશોમાં ફેરફારનો ડ્રાફ્ટ જારી કર્યો છે. જેમાં સાયબર ફ્રોડ અને મની મ્યુલ સાથે જોડાયેલા શંકાસ્પદ ખાતાઓ અને વ્યવહારો માટે એક નિશ્ચિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પ્રસ્તાવિત કરાઈ છે. પ્રસ્તાવ મુજબ, જો બેંકના ટ્રાન્ઝેક્શન મોનિટરિંગ સિસ્ટમને ₹1,000 કે તેથી વધુનું કોઈ ટ્રાન્ઝેક્શન સાયબર ફ્રોડ કે મની મ્યુલ પ્રવૃત્તિ સાથે જોડાયેલું શંકાસ્પદ લાગશે, તો બેંક તેના પર અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવી શકે છે.
મહત્વની વાત એ છે કે ₹1,000 કે તેથી વધુનું દરેક ટ્રાન્ઝેક્શન ઓટોમેટિક ફ્રીઝ નહીં થાય. બેંકની સિસ્ટમ ટ્રાન્ઝેક્શન પેટર્ન, ગ્રાહકની પ્રોફાઈલ અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) તથા મશીન લર્નિંગ આધારિત સિસ્ટમના સંકેતોના આધારે જ તેને શંકાસ્પદ માનશે.
વિવાદિત રકમ પર રોક, બાકીના પૈસા વાપરી શકાશે!
આ પ્રસ્તાવનો સૌથી મોટો ફેરફાર એ છે કે, જો કોઈ ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર સાયબર ફ્રોડની શંકા હશે, તો બેંક માત્ર તે રકમ પર જ અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવશે. આનાથી આખું એકાઉન્ટ બ્લોક કરવાની જરૂરિયાત પૂરી થઈ જશે અને ગ્રાહક પોતાના બાકીના ખાતામાં રહેલી કાયદેસરની રકમનો ઉપયોગ ચાલુ રાખી શકશે. જોકે, જો બેંકને આખું એકાઉન્ટ જ બોગસ (મની મ્યુલ) લાગશે, તો આખા એકાઉન્ટ પર પણ રોક લગાવી શકાશે.
ગ્રાહકને 20 દિવસમાં સ્પષ્ટતા આપવાની તક
RBIના પ્રસ્તાવિત નિયમોમાં ગ્રાહકને પણ પક્ષ રાખવાની તક આપવામાં આવી છે.
રોકની જાણકારી: અસ્થાયી ડેબિટ હોલ્ડ લગાવ્યા બાદ બેંકે ગ્રાહકને તેની જાણ કરવાની રહેશે.
જવાબ માટે સમય: ગ્રાહકને ઓળખના પુરાવા, ટ્રાન્ઝેક્શનનું કારણ કે રકમના સ્ત્રોત સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે 20 દિવસનો સમય મળશે.
બેંકનો નિર્ણય: જો ગ્રાહક જવાબ આપે છે, તો બેંકે 10 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. જવાબ સંતોષકારક હશે તો હોલ્ડ તરત જ હટાવી લેવાશે.
જવાબ ન આપે તો: જો ગ્રાહક જવાબ નહીં આપે, તો બેંકે હોલ્ડ લગાવ્યાના 30 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે.
પોલીસ તપાસ: જો ગ્રાહકનો જવાબ સંતોષકારક નહીં હોય, તો બેંક હોલ્ડ ચાલુ રાખીને કેસ આગળની તપાસ માટે પોલીસ કે NCRP-CFCFRMS ને મોકલી શકશે.
અસ્થાયી હોલ્ડની મહત્તમ સીમા 60 દિવસ
કોઈ કાયદાકીય એજન્સી કે સક્ષમ ઓથોરિટી તરફથી અલગ નિર્દેશ ન મળે ત્યાં સુધી અસ્થાયી ડેબિટ હોલ્ડની મહત્તમ મુદત 60 દિવસ પ્રસ્તાવિત કરવામાં આવી છે. એટલે કે બેંક અચોક્કસ મુદત સુધી કોઈ રકમ રોકી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટ 2026 ના આદેશ બાદ RBI દ્વારા આ SOP તૈયાર કરવામાં આવી છે. અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો હતો કે, માત્ર એક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે આખું એકાઉન્ટ ફ્રીઝ ન કરી શકાય, માત્ર વિવાદિત રકમ પર 'Lien' (અધિકાર/રોક) રાખીને બાકીનું એકાઉન્ટ વાપરવાની છૂટ આપવી જોઈએ.
ક્યારથી લાગુ થશે?
હાલમાં આ માત્ર RBI નો ડ્રાફ્ટ છે. સેન્ટ્રલ બેંકે આના પર 2 ઓક્ટોબર 2026 સુધી સૂચનો માંગ્યા છે. આ પ્રસ્તાવિત નિયમો 1 એપ્રિલ 2027 થી લાગુ થઈ શકે છે, પરંતુ બેંકો ઈચ્છે તો આ SOP વહેલી પણ લાગુ કરી શકે છે.




