રાજસ્થાનમાં હચમચાવી દેનારી ઘટના, માતાએ 3 બાળકને ટાંકીમાં ફેંકી મારી નાખ્યા, પછી પોતે કૂદી ગઇ

File Photo |
Rajasthan Crime: રાજસ્થાનના બાલોતરામાં એક મહિલાએ 3 બાળકોની ટાંકામાં ફેંકીને હત્યા કરી દીધી અને બાદમાં પોતે પણ પાણીથી ભરેલા ટાંકામાં કૂદીને આપઘાત કરી લીધો. ગુરૂવારે (23 ઓક્ટોબર) રાત્રે મહિલા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. જોકે, સવારે ટાંકામાંથી ચારેયના મૃતદેહ મળી આવતા ઘટના વિશે લોકોને જાણ થઈ હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના બલોતરામાં ગુરૂવારે (23 ઓક્ટોબર) પનૌતરી નાડી પાસે રહેતી એક મહિલાએ પોતાના 3 બાળકોને પાણીની ટાંકામાં ફેંકી દીધા અને બાદમાં પોતે પણ તેમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વહેલી સવારે ગ્રામજનોને ચારેયના મૃતદેહ પાણીમાં મળી આવતા ઘટના વિશે જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની સૂચના મળતાની સાથે જ પોલીસે ગ્રામીણોની મદદથી તમામના મૃતદેહને ટાંકામાંથી બહાર કાઢી મૃતદેહનો કબ્જો મેળવ્યા છે.
પોલીસે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, બુધવારે રાત્રે ઘરના તમામ સભ્યો સૂઈ ગયા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યે 32 વર્ષીય મમતા 7 વર્ષનો દીકરો નવીન, 4 વર્ષીય રૂગારામ અને 6 મહિનાની દીકરી માનવીને લઈને ખેતરના પાસે બનેલા ટાંકા પાસે લઈ ગઈ. ત્યાર બાદ તેણે એક-એક કરીને ત્રણેયને ટાંકામાં ફેંકી દીધા અને બાદમાં પોતે પણ કૂદી ગઈ. ગુરૂવારે (23 ઓક્ટોબર) સવારે જ્યારે મમતાની સાસુએ વહુ અને બાળકોને ન જોયા તો તેમની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન તેમણે ટાંકાની બહાર મમતાના ચંપલ જોયા તો દોડીને ત્યાં પહોંચ્યા. ટાંકા પાસે પહોંચતા જ તેમણે વહુ અને ત્રણેય બાળકોના મૃતદેહને નદીમાં તરતા જોયા.
આ પણ વાંચોઃ ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ 'માહે' સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે
પોલીસે ગ્રામીણોની મદદથી બહાર કાઢ્યા મૃતદેહ
મમતાની સાસુ અને આસપાસના લોકોએ તુરંત ગ્રામીણોને આ ઘટના વિશે જાણકારી આપી હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સિવિલ ડિફેન્સ તેમજ ગ્રામીણોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ હજુ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
મૃતકનો પતિ મેડિકલની દુકાન ચલાવે છે
નોંધનીય છે કે, મૃતક મહિલાનો પતિ અણદારામ છેલ્લાં 5 મહિનાથી બેંગલુરૂમાં મેડિકલની દુકાન ચલાવે છે. પોલીસની સૂચના મળતા તે ગામડે પહોંચવા માટે રવાના થઈ ગયો છે. મમતા ત્રણ બાળકો, સાસુ અને દાદી સાસુ સાથે ટાપરા ગામમાં ખેતરમાં બનેલા ઘરમાં રહેતી હતી .

