આગ લાગતાં જ બસનો દરવાજો લોક, બારીમાંથી કૂદ્યા પણ 20 લોકો ના બચ્યા, પીડિતોની આપવીતી

Andhra Pradesh Kurnool Bus Fire Accident: આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં 24 ઑક્ટોબરે હૈદરાબાદથી બેંગલુરુ જતી એક પ્રાઇવેટ બસમાં આગ લાગવાથી 20 લોકોના મોત થયા, જેમાં એક બાઇક સવાર પણ સામેલ છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ચિન્નાટેકુર પાસે બસ અને મોટરસાઇકલની ટક્કર થઈ હતી. આ મોટરસાઇકલ ફસાઈ જતાં ફ્યુઅલ કેપ ખૂલી ગઈ હતી અને આગ લાગી હતી.
કુર્નૂલ રેન્જના DIG કોયા પ્રવીણના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ તપાસ અને ઓળખ પછી જ મૃતકો અને બચેલા લોકોની ચોક્કસ માહિતી મળશે. શોર્ટ સર્કિટને કારણે દરવાજો જામ થવાથી બસ થોડી જ મિનિટોમાં બળી ગઈ. જિલ્લા કલેક્ટર એ. સીરીએ કહ્યું કે બસમાં ડ્રાઇવર સહિત 41 લોકો સવાર હતા અને બચેલા લોકોની હાલત સ્થિર છે.
આગ લાગતાં જ દરવાજો લોક થઈ ગયો હતો
જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, મોટા ભાગના મુસાફરો સૂતા હોવાથી અને વાયર કપાવાને કારણે બસનો દરવાજો તરત ખૂલી ન શકતા દુર્ઘટના વધુ ગંભીર બની. પોલીસે સાવચેતીના ભાગરૂપે ડીઝલ ટેન્ક ખાલી કરી, જ્યારે મેડિકલ એક્સપર્ટ્સની ટીમે મૃતદેહોના DNA સેમ્પલ એકઠા કર્યા. DIG એ ખુલાસો કર્યો કે બસમાં ફાયર કંટ્રોલ ઉપકરણ નહોતું, જે સુરક્ષા માપદંડોમાં ખામી દર્શાવે છે.
બર્નિંગ બસના પીડિતોની આપવીતી
એક મુસાફરે જણાવ્યું કે તેઓ રાત્રે કુક્કટપલ્લીથી બેંગલુરુ જવા બસમાં સવાર થયા હતા. લાંબી મુસાફરી બાદ વહેલી સવારે (2:30 થી 3:30 વાગ્યાની વચ્ચે) તેમણે બસની બારી પાસે આગ જોઈ અને ડ્રાઇવરને જાણ કરી. બસ રોકાયા બાદ બારીઓ તોડવાનો પ્રયાસ થયો, પરંતુ માત્ર 20 લોકો જ બહાર નીકળી શક્યા, બાકીના ફસાઈ ગયા. તેમણે વધુ જાણકારી આપતાં કહ્યું કે, 'બસમાં સૌ કોઈ સૂતા હતા અને તેમને જગાડવામાં આવ્યા. આગ લાગતાં જ દરવાજો લોક થઈ જતાં મુસાફરો ઇમરજન્સી વિન્ડો તોડીને બહાર કૂદી ગયા, પરંતુ ઘણા લોકો અંદર જ ફસાયેલા રહી ગયા.'
બસ પર 23 હજારના ચલણ બાકી
ટ્રાન્સપોર્ટ વિભાગે સ્પષ્ટતા કરી કે દુર્ઘટનાગ્રસ્ત લક્ઝરી બસ તેલંગાણાની નહીં, પણ ઓડિશાના રાયગઢ જિલ્લામાં રજિસ્ટર્ડ હતી. તપાસમાં જણાયું કે બસ પર તેલંગાણામાં ઓવરસ્પીડિંગના ઘણા ઈ-ચલણ બાકી હતા, જેની કુલ રકમ લગભગ ₹23,000 છે. અધિકારીઓએ જણાવ્યું કે બસની ફિટનેસ અને પરમિટની જવાબદારી ઓડિશા સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા
પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું અને PMNRF(પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ)માંથી મૃતકના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000નું વળતર જાહેર કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ શોક વ્યક્ત કરી ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી.
આરોગ્ય મંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે, 'મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાઈ રહ્યા છે. તેમણે કુર્નૂલ GGH સુપરિન્ટેન્ડન્ટને ઈજાગ્રસ્ત મુસાફરોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યો. મૃતદેહોના પોસ્ટમોર્ટમની તૈયારી ચાલી રહી છે અને ફોરેન્સિક ડૉક્ટરો હાજર છે. તેમજ 12 લોકો સામાન્ય ઈજાઓ સાથે હૉસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 6ને રજા અપાઈ છે, જ્યારે બસમાંથી કૂદવાથી ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિની હાલત સ્થિર છે.


