Get The App

‘મારા બંને બાળક મૃત્યુ પામ્યા, હવે ઘર સૂનું...' ઝાલાવાડ સ્કૂલ દુર્ઘટનામાં બાળકો ગુમાવનાર માતાની વ્યથા

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
‘મારા બંને બાળક મૃત્યુ પામ્યા, હવે ઘર સૂનું...' ઝાલાવાડ સ્કૂલ દુર્ઘટનામાં બાળકો ગુમાવનાર માતાની વ્યથા 1 - image


Jhalawar School Tragedy : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાની સરકારી શાળામાં ગઈકાલે (25 જુલાઈ)ના રોજ એક છત ધરાશાયી થયા બાદ સાત બાળકોના મોત અને 28 ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ અનેક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. બાળકોના હસતાં-રમતાં અવાજથી ગૂંજતું રહેતું આંગણુ હવે સુનુ પડી ગયું છે, આજે બાળકો ગુમાવનારા પરિવારોના ઘરમાં સન્નાટો છવાઈ ગયો છે. ઘટનામાં મૃત્યુ પામેલા બે માસૂમ ભાઈ-બહેન મીના અને કાન્હા હસતાં-રમતાં અને મા સમક્ષ જીદ કરતા રહેતા હતા, જોકે હવે માસૂમના મોત બાદ માતા નિઃશબ્દ, વ્યથિત અને મનથી તૂટેલી હાલતમાં ચોધાર આંસુ સાથે એકલી બેઠી છે.

‘ભગવાને મને લઈ લીધી હોત અને બાળકોને બચાવી લીધા હોત’

બાળકોના મોત બાદ ચોધાર આસુએ રડી રહેલી માતાએ વ્યથા ઠાલવી કહ્યું કે, ‘મારા બે બાળકો હતા, એક પુત્ર અને એક પુત્રી... બંને જતા રહ્યા... હવે ઘર સૂનું થઈ ગયું... ભગવાને મને લઈ લીધી હોત અને બાળકોને બચાવી લીધા હોત...’ શાળામાં શુક્રવારે બનેલી ઘટનામાં સાત માસૂમ બાળકોના મોત થયા બાદ પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા છે. ઘટનામાં એક જ પરિવારના ભાઈ-બહેન છ વર્ષનો કાન્હો અને 12 વર્ષની મીનાના મોત બાદ માતાએ ખુશીથી ભરેલા પરિવારની સાથે સહારો પણ ગુમાવી દીધો છે.

આ પણ વાંચો : 17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના નામ

સરકારી શાળામાં ધો.6-7ના વર્ગખંડો ધરાશયી થયા હતા

ઝાલાવાડ જિલ્લાની સરકારી શાળામાં શુક્રવારે એક ભાગ ધરાશયી થતાં સાત બાળકોનાં મોત થયા હતા અને 28 ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટના સવારે શાળામા પ્રાર્થના સમયે સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પિપલોદી સરકારી શાળાના ધો. 6 અને 7ના વર્ગખંડો ધરાશયી થતાં 35 બાળકો દટાઇ ગયા હતાં. કોંક્રીટ, ઇંટો અને પથ્થરોનો ઢગલો થઇ ગયો હતો. ગભરાયેલા માતા-પિતા અને શિક્ષકો સહિત અનેક લોકોએ બચાવ કાર્યમાં મદદ કરી હતી. કાટમાળમાં બાળકોને બહાર કાઢવામાં પણ મદદ કરી હતી.

શાળાની દીવાલમાં ઝાડની ડાળીઓ ઉગ્યા બાદ પાણી લીકેજ

શાળાના એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર શાળાની દીવાલમાં ઝાડની ડાળીઓનો વિકાસ થયો હતો અને તેમાંથી સતત પાણી લીકેજ થઇ રહ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમને સવારે 7.45 વાગ્યે પિપલોદી ગામની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઝાલાવાડ જિલ્લા હેડકવાર્ટરથી 80 કિમી દૂર આવેલા મનોહરથાનામાં આવેલા પોલીસ સ્ટેશનના એસએચઓ નંદ કિશોર વર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયા છે. ઘાયલોને ઝાલાવાડ હોસ્પિટલ અને મનોહરથાના હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતાં. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર 9 ઘાયલો આઇસીયુમાં છે. 

આ પણ વાંચો : 2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં

જર્જરિત ઈમારત અંગે ચેતવણી અપાઈ હતી

આ જર્જરિત શાળાની ઈમારત અંગે અનેક ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં, વહીવટીતંત્રે તેને અવગણવા કરી હતી. આ મામલે 5 શિક્ષકો અને શિક્ષણ વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'શાળાની દિવાલો અને છત પહેલાથી જ જર્જરિત હાલતમાં હતી. થોડા સમય પહેલા પ્લાસ્ટરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આ શાળાની ઈમારત 78 વર્ષ જૂની છે.' વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર, 'છત પરથી પોપડા પડવા લાગ્યા હતા. આ અંગે શિક્ષકોને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે ધમકાવી અમને બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ અચાનક છત તૂટી પડી હતી. આ દુર્ઘટના દરમિયાન શિક્ષકો નાસ્તો કરી રહ્યા હતા.'

પાંચ શિક્ષકો અને એક શિક્ષણ વિભાગના અધિકારીને સસ્પેન્ડ

આ દુર્ઘટના બાદ ગામમાં શોકનો માહોલ અને લોકોમાં રોષ ભભૂક્યો છે. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 'શાળાની હાલત અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યુ ન હતું.' આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રે કાર્યવાહી કરી અને પાંચ શિક્ષકો અને એક શિક્ષણ વિભાગના અધિકારીને સસ્પેન્ડ કર્યા. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 'તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.'

આ પણ વાંચો : ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ

Tags :