Rajasthan Accident: રાજસ્થાનના બુંદી જિલ્લામાં ગુરુવારે (18મી ડિસેમ્બર) સાંજે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 52 પર કપચી ભરેલી એક બેકાબૂ ટ્રક કાર પર પલટી જતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ટ્રક નીચે દબાઈને લોખંડના ડબ્બાની જેમ કચડાઈ ગઈ હતી.
અકસ્માત કેવી રીતે થયો
અધિક પોલીસ અધિક્ષક (ASP) ઉમા શર્માના જણાવ્યા અનુસાર, અકસ્માત ગુરુવારે સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. પૂરપાટ ઝડપે જતી ટ્રકનું અચાનક ટાયર ફાટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પાછળથી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને બંને વાહનો રસ્તાની બીજી બાજુ ફંગોળાયા હતા. આ દરમિયાન કપચી ભરેલી ટ્રક કારની ઉપર જ પલટી મારી ગઈ હતી.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો, 4 શહેરોમાં હિંસા-તોડફોડ-આગચંપી
એક જ પરિવારના ચાર સભ્યોના મોત
મૃતકો ટોંક જિલ્લાના રહેવાસી હતા અને પરિવારના કોઈ સભ્યના જન્મદિવસની ઉજવણી માટે કોટા જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો. મોઈનુદ્દીન (60), ફરીઉદ્દીન (45), અજમીઉદ્દીન (40) અને તેમના પિતરાઈ ભાઈ સૈફુદ્દીન (28). સૈફુદ્દીનના પિતા વસીઉદ્દીન (64)નો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો છે, તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ટ્રક નીચે કાર સંપૂર્ણપણે દબાઈ જતાં અંદર સવાર લોકોને બહાર નીકળવાની કે બચવાની કોઈ તક મળી ન હતી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી ટ્રક હટાવી કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એકસાથે ચાર ભાઈઓના મોતથી ટોંક જિલ્લામાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


