Get The App

બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો, 4 શહેરોમાં હિંસા-તોડફોડ-આગચંપી

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો, 4 શહેરોમાં હિંસા-તોડફોડ-આગચંપી 1 - image


Bangladesh News :  બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થયું છે. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. 



દેખાવકારોએ બેકાબૂ, તોડફોડ-આગચંપી કરી 

ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના બે મોટા અખબારો 'પ્રથમ આલો' અને 'ડેઇલી સ્ટાર'ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું. આ દરમિયાન, દેશમાં વણસી રહેલી સ્થિતિને જોતાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

રસ્તા પર ચક્કાજામની સ્થિતિ 

મળતી માહિતી મુજબ, હાદીના મોતના સમાચાર મળતા જ હજારો લોકો ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા અને રસ્તા જામ કરી દીધા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પર હાદીની સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને જોતજોતામાં પ્રદર્શન હિંસક બની ગયું. ઉપદ્રવીઓએ સૌથી પહેલા કરવાન બજારમાં આવેલી 'પ્રથમ આલો'ની ઓફિસ પર હુમલો કર્યો, જ્યાં ફર્નિચર અને દસ્તાવેજોને બહાર ફેંકીને આગ લગાવી દેવાઈ. ત્યારબાદ 'ડેઇલી સ્ટાર'ની ઓફિસને પણ નિશાન બનાવી આગ ચાંપી દીધી.

ભારતીય હાઈ કમિશનના કાર્યાલય પર પથ્થરમારો 

હિંસા આટલેથી જ ન અટકતા, ગુરુવારે મોડી રાત્રે પ્રદર્શનકારીઓ ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકઠા થયા અને ઓફિસ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન, 'ભારતીય આક્રમણને ધ્વસ્ત કરો!' અને 'લીગવાળાઓને પકડીને મારો!' જેવા ભારત-વિરોધી અને અવામી લીગ-વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા.



હાદીને ગોળી મારવામાં આવી હતી 

ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરના રોજ ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને 'જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ' ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. યુનુસે હાદીના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેવું વચન આપ્યું અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવી પણ જાહેરાત કરી. શરીફ ઉસ્માન હાદી 'ઇન્કલાબ મંચ'ના સંસ્થાપક હતા અને જુલાઈ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Tags :