Get The App

દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતાં શ્વાનને હટાવવા આદેશ, કોઈ વચ્ચે આવ્યું તો FIR થશે

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતાં શ્વાનને હટાવવા આદેશ, કોઈ વચ્ચે આવ્યું તો FIR થશે 1 - image

Image: IANS



Rajasthan High Court: રાજસ્થાન હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતાં શ્વાન અને અન્ય પશુઓના વધતાં જોખમ પર સુઓમોટો અરજી લેતાં અનેક કડક નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે ન્યાયમિત્રના અહેવાલ પરથી સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે.  જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાયમિત્રના વકીલ વરિષ્ઠ ઍડ્વૉકેટ ડૉ. સચિન આચાર્ય, ઍડ્વૉકેટ પ્રિયંકા બોરાના અને ઍડ્વૉકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો. 

રખડતાં શ્વાનના કારણે માનવજીવન જોખમમાં મૂકાયું

ન્યાયમિત્રએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવું એ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઑથોરિટી અને અન્ય એજન્સીઓની કાનૂની ફરજ છે. તેમ છતાં, અધિકારીઓની બેદરકારીના કારણે રખડતાં પ્રાણીઓના હુમલા અને કરડવાના બનાવોમાં વધારો થયો છે, જેના કારણે માનવ જીવન જોખમમાં મૂકાય છે. આ સિવાય દેશ-વિદેશના પ્રવાસીઓમાં રાજ્યની છબી ખરડાય છે. 

આ પણ વાંચોઃ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના

કોર્પોરેશન પાસે માંગ્યો રિપોર્ટ

નોંધનીય છે કે, એમ્સ જોધપુરે 10 ઑગસ્ટે ઍડ્વૉકેટ પ્રિયંકા બોરાનાને પત્ર મોકલીને પોતાના પરિસરમાં રખડતાં શ્વાનની સમસ્યા અને દર્દી તેમજ સ્ટાફ પર હુમલાની ઘટનાઓની જાણકારી આપી હતી. કોર્ટે આ પત્રને ધ્યાને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ રાજ્ય સરકાર અને સંસ્થાઓને સમય આપી જરૂરી નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં ડૉગ શેલ્ટર અને ગૌશાળાઓની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને આગલી સુનાવણી દરમિયાન રજૂ કરવાનો રહેશે. 

  • મેનપાવર અને સ્ટાફની વિગતઃ પશુ પકડનારા દળ, ડૉક્ટર અને અન્ય સ્ટાફની જાણકારી કોર્ટને આપવામાં આવે. 
  • વિશેષ અભિયાનઃ શહેરના રસ્તાથી રખડતાં શ્વાન અને અન્ય પશુઓને દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવે.
  • અવરોધ પર કાર્યવાહીઃ કામમાં અડચણ ઊભી કરનારા લોકો પર સંબંઘિત કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી શકાશે. 
  • ફરિયાદઃ પ્રત્યેક કોર્પોરેશન હેલ્પલાઇન નંબર-ઈમેલ આઇડી જાહેર કરશે. 
  • શેલ્ટરમાં જ ભોજન આપી શકાશેઃ ભોજન આપવાની મંજૂરી ફક્ત કોર્પોરેશન સંચાલિત શેલ્ટર અથવા ગૌશાળામાં જ હશે. 
  • સંવેદશનશીલ સ્થળો પર પ્રાથમિકતાઃ કોર્પોરેશન જોધપુર, એમ્સ જોધપુર અને જિલ્લા ન્યાયાલયના પરિસરથી તુરંત રખડતાં શ્વાનને દૂર કરવામાં આવે. 
  • હાઇવે પેટ્રોલિંગ: રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગના સત્તાધીશોએ નિયમિતપણે હાઇવે પર પેટ્રોલિંગ કરવું જોઈએ અને રખડતાં પ્રાણીઓને દૂર કરવા જોઈએ. 

આ સાથે, કેસની આગામી સુનાવણી 8 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ

સુપ્રીમ કોર્ટે પણ લીધો નિર્ણય

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે રખડતાં શ્વાનની સમસ્યાને ખૂબ જ ગંભીર જણાવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને કોર્પોરેશનને તમામ વિસ્તારોથી રખડતાં શ્વાનને જલ્દી ખસેડી શેલ્ટર હોમમાં મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અભિયાનમાં અડચણ ઊભી કરનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. 

Tags :