કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના
Parliament action against Justice Yashwant Verma: દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેશકાંડમાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ વર્મા વિરુદ્ધની ફરિયાદને ગંભીર માનીને આ મામલાની તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત કરી છે.
યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના
સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, 'ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસના મતે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. સાથે જ, ફરિયાદની પ્રકૃતિને જોતાં નિયમો અનુસાર પદ પરથી હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવાની જરૂર છે. આ પ્રસ્તાવને યોગ્ય માનીને મેં તેને મંજૂરી આપી છે અને મહાભિયોગની વિનંતી પર સમિતિ બનાવી છે.'
આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ કાયદાશાસ્ત્રી બી. વી. આચાર્ય એમ ત્રણ વરિષ્ઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
14 માર્ચે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગ લાગી હતી
14 માર્ચે દિલ્હીના લુટિયન્સ સ્થિત જસ્ટિસ વર્માના નિવાસસ્થાને રાત્રે લગભગ 11:35 વાગ્યે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી હતી. આ દરમિયાન આગ ઓલવવા ગયેલા ફાયર બ્રિગેડને 500 રૂપિયાની બળી ગયેલી નોટોના બંડલ મળી આવ્યા હતા. આનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. આ પછી જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.
આ પછી મામલો વધુ વકર્યો હતો. આ પછી, ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. આમાં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય દ્વારા પ્રાથમિક તપાસ અને દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ વર્મા પાસેથી ન્યાયિક કાર્ય છીનવી લેવા અને બાદમાં ન્યાયિક કાર્ય વિના તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેમની સામે આંતરિક તપાસ શરૂ કરી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટની આ તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા સામેના આરોપોને સાચા ગણાવ્યા. આ દરમિયાન, તેમને ન્યાયાધીશ પદ પરથી દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે, જસ્ટિસ વર્માએ પોતાને નિર્દોષ ગણાવ્યા છે અને આ બધા આરોપોને કાવતરું ગણાવ્યું છે.