Get The App

એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ 1 - image


Air India Flight Emergency Landing At Jaipur Airport : એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે. રિપોર્ટ મુજબ જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટ નંબર-AI-612 જયપુર ઍરપોર્ટ પરથી 2.01 વાગે ટેકઑફ થયું હતું, જોકે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટેકઑફની 18 મિનિટમાં જ જયપુર ઍરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

વિમાનની ટેકનિકલ તપાસ શરુ

પાયલટે એર ઇન્ડિયાની ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરી લીધું છે, જેના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનના લેન્ડિંગ બાદ તુરંત ઍરપોર્ટનો સ્ટાફ દોડી આવ્યો હતો અને વિમાનની ટેકનિકલ તપાસ શરુ કરી દીધી છે. એર ઇન્ડિયા અને ઍરપોર્ટ ઑથોરિટીની ટીમે ટેકનિકલ કારણો તપાસ શરુ કરી દીધી છે. 

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે', CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન

પાયલટની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી

ફ્લાઇટ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવતા તમામ પ્રવાસીઓ ચિંતિત થઈ ગયા હતા. જોકે પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ કરતા તમામ મુસાફરોએ હાશકારો લીધો છે. પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બીજીતરફ એર ઇન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અવાર-નવાર ખામી

  • 23 જુલાઈએ દોહા જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં પણ ખામી સર્જાઈ છે. ફ્લાઇટ બે કલાક પછી કાલિકટ ઍરપોર્ટ પર પરત ફરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી પરત ફરવું પડ્યું હતું. જે અંગે એર ઇન્ડિયા એક્સપ્રેસનું નિવેદન સામે આવ્યું છે. 
  • 22 જુલાઈએ એર ઇન્ડિયા A-321 પ્લેન દિલ્હી ઍરપોર્ટ પર મંગળવારે બપોરે ઉતર્યા પછી તેના ઓક્ઝિલરી પાવર યુનિટમાં આગ લાગી ગઈ હતી. જો કે આ પ્લેનના પેસેન્જર અને ક્રૂ બધા જ સલામત છે. એરક્રાફ્ટને તરત જ ભૂમિગત કરી દેવાયું હતું. ત્યારબાદ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) આ ઘટનાની તપાસ શરુ કરી દીધી હતી.
  • 22 જુલાઈએ હોંગકોંગથી દિલ્હી આવેલી ફ્લાઇટમાં પણ ખામી સર્જાઈ હતી. આ દરમિયાન A-315ના ઉતર્યાના તરત જ થોડી વારમાં તેના ઓકિઝિલરી પાવર યુનિટમાં આગ લાગી હતી. આ ઘટના પ્લેન ગેટ પર પાર્ક કરવામાં આવ્યું ત્યારે બની હતી.
  • 21 જુલાઈએ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેકઑફ કરતાં થોડીવાર પહેલા જ એર ઇન્ડિયાની કોલકાતા જતી ફ્લાઇટને રદ કરવી પડી હતી. વિમાન રન-વે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ખામી સર્જાઈ હતી. સાવચેતીના ભાગરૂપે પાઇલટ્સે બ્રેક લગાવી અને ફ્લાઇટ રોકી દીધી, જેથી તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનાને કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી.
  • 21 જુલાઈએ મુંબઈ ઍરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. કોચીથી મુંબઈ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2744 ભારે વરસાદ વચ્ચે રનવે પરથી લપસી ગઈ. A320 વિમાન સવારે 9:27 વાગ્યે રનવે 27 પર ઉતર્યું, પરંતુ ટચડાઉન પછી તે રનવેથી 16-17 મીટર ખસી અને કાચા વિસ્તારમાં પ્રવેશ્યું, પરંતુ પાયલોટે સુરક્ષિત રીતે ટેક્સી વે પર તેને કાબુમાં લીધું અને વિમાનને સુરક્ષિત રીતે ગેટ પર લઈ જવામાં આવ્યું.
  • 19 જુલાઈએ થાઇલૅન્ડ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે ટેક-ઑફ થયાના થોડા સમય પછી જ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પરત ફરી હતી. ફ્લાઇટ પહેલા સવારે 11.45 વાગ્યે થાઇલૅન્ડના કુકેટ ઉતરવાની હતી. બોઇંગ 737 મેક્સ 8 દ્વારા સંચાલિત ફ્લાઇટ IX110 તેના ગંતવ્ય સ્થાન માટે ઉડાન ભરી હતી, પરંતુ માત્ર 16 મિનિટ ઉડાન ભર્યા પછી હૈદરાબાદ પરત ફરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : ‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત...’, OBC સંમેલનમાં ખડગેના PM મોદી પર આકરા પ્રહાર

Tags :