ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે', CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન
Chief of Defense Staff (CDS) General Anil Chauhan : ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે દિલ્હીમાં સંરક્ષણ સેમિનારમાં ઑપરેશન સિંદૂર મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર હજુ યથાવત્ છે, સેના 24 કલાક તૈયાર રહે. આપણી તૈયારીનું સ્તર ખૂબ જ ઊંચુ રહેવું જોઈએ અને આપણે 24 કલાક અને 365 દિવસ તૈયાર હોવા જોઈએ. યુદ્ધની બદલાતી રીતોના કારણે સૈનિકોએ વૉરિયરની જેમ સૂચના, ટૅક્નોલૉજીની અને યુદ્ધના કૌશલથી સજ્જ થવું જોઈએ. સેના માટે શસ્ત્ર (યુદ્ધ) અને શાસ્ત્ર (જ્ઞાન) બંને શીખવાની જરૂર છે.
આજનું યુદ્ધ માત્ર સરહદ પર પૂરું થતું નથી : CDS
સીડીએસએ અત્યાધુનિક યુદ્ધની બદલાતી રણનીતિ પર અંગે પણ મહત્ત્વની વાતો કહી છે. તેમણે કહ્યું કે, આજે જે લડાઈ થઈ રહી છે, તે માત્ર સરહદ પર પૂરી થતી નથી અને બંદૂક-ટેન્ક સુધી પણ સીમિત રહી નથી, પરંતુ તે હવે પારદર્શી, તીવ્ર અને ટૅક્નોલૉજીની દૃષ્ટિએ ખૂબ જ જટિલ થઈ ગઈ છે, જે ત્રીજી સૈન્ય ક્રાંતિ સમાન છે. આજના યોદ્ધાઓએ વ્યૂહાત્મક, કાર્યકારી અને રણનીતિક ત્રણેય સ્તરે સજ્જ થવાની જરૂર છે. એટલું જ નહીં તેઓએ જમીન, પાણી, હવાની સાથે સાથે સાયબર અને કૉગ્નિટિવ વૉરફેર જેવા નવા યુદ્ધમાં લડવા માટે સક્ષમ બનવું પડશે. આજના યુગમાં ડ્રોન હુમલા, સાયબર એટેક, હથિયાર વગરનું યુદ્ધ અને અવકાશમાં અચડણોનો એક સાથે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
‘ભવિષ્યમાં ‘હાઇબ્રિડ વૉરિયર’ની જરૂર’
જનરલ ચૌહાણે કન્વર્જન્સ વોરફેયર શબ્દનો ઉલ્લેખ કરી કહ્યું કે, ’આજે કાઇનેટિક અને નૉન-કાઇનેટિક (પારંપરિક અને ડિજિટલ) યુદ્ધ એકબીજામાં ભળી ગયા છે. પહેલી અને બીજી પેઢીના યુદ્ધ આજે ત્રીજી પેઢીના સાયબર અને એઆઇ આધારિત યુદ્ધ સાથે ભળી ગયા છે. ભવિષ્યમાં આપણને એવા ‘હાઇબ્રિડ વૉરિયર’ની જરૂર પડશે, જે બોર્ડર પર લડી શકે, રણમાં રણનીતિ બનાવી શકે, શહેરોમાં કાઉન્ટર-ઈમરજન્સી ઓપરેશન ચલાવી શકે, ડ્રોનને નિષ્ક્રિય કરી શકે, સાયબર હુમલાનો જવાબ આપી શકે અને પ્રભાવશાળી માહિતી અભિયાન ચલાવી શકે.’
આ પણ વાંચો : ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
‘આપણને ત્રણ પ્રકારના યોદ્ધાની જરૂર પડશે’
તેમણે વધુમાં કહ્યું કે, આપણને ટેક વૉરિયર્સ, ઈન્ફો વૉરિયર્સ અને સ્કૉલર વોરિયર્સ જેવા ત્રણ પ્રકારના યોદ્ધાઓની જરૂર પડશે. ટેક વૉરિયર્સ એઆઇ અને સાયબર શક્તિનો ઉપયોગ કરી શકશે, ઇન્ફો વોરિયર્સ નૈરેટિવ્સને આકાર આપવાની સાથે ખોટી સૂચનાઓનો મુકાબલો કરી શકશે, જ્યારે સ્કૉલર વોરિયર્સ રણનીતિ અને યુદ્ધ વિજ્ઞાનની ઊંડા સમજ સાથે નિર્ણય લઈ શકશે. ભવિષ્યના યુદ્ધો માટે સૈનિકોમાં આ ત્રણેય ભૂમિકા એક મોટી જરૂરિયાત બની જશે. આ જ આધુનિક યુદ્ધની નવી પરિભાષા છે.