Get The App

ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત

ઉત્તરાખંડમાં પવનની સાથે ભારે વરસાદ ઃ અધિકારીઓ હાઇ એલર્ટ પર

દિલ્હીમાં વરસાદ, પવન અને તોફાનની શક્યતાને પગલે યલો એલર્ટ ઃ ૬ મે સુધી ઝરમર વરસાદની સંભાવના

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત 1 - image

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩

ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં રવિવારે પડેલા વરસાદને કારણે તાપમાનમાં થોડોક ઘટાડો થતાં ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકોને આંશિક રાહત મળી હતી.

ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુતમ તાપમાન ૨૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. અહીં વરસાદની સાથે તોફાનની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આઇએમડીએ શનિવારે દિલ્હી માટે આગામી બે દિવસ માટે વરસાદ, તોફાન અને ઝડપી પવનો ફૂંકાવાની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરી હતી. વાદળછાયુ વાતાવરણ અને ૬ મે સુધી ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.

રવિવાર સવારે ઉત્તરાખંડનાં અનેક જિલ્લાઓમાં ઝડપી પવનોની સાથે ભારે વરસાદ અને કરાં પડયા હતાં. જેના કારણે રાજ્ય વહીવટી તંત્રે જિલ્લાનાં ટોચનાં અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.

વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે અનેક  જગ્યાઓએ વૃક્ષો ધરાશયી થયા હતાં. જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો હતો અને વીજળી પુરવઠામાં પણ વિક્ષેપ થયો હતો.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશમાં વરસાદ, તોફાન અને ઝડપી પવનો ફૂંકાવાના સમાચાર મળ્યા છે. જેમાં મધ્ય-પૂર્વ ક્ષેત્રોનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશનાં કેટલાક સ્થળોએ ૫ સેમી સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યનાં પૂર્વ વિસ્તારમાં હળવાથી લઇને મધ્યમ વરસાદ પડયો હતો. પશ્ચિમી ક્ષેત્રોમાં વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ પડયો હતો.

ચંડીગઢ, હરિયાણા અને પંજાબનાં કેટલાક વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડયો હતો. ચંડીગઢમાં લોકો સવારે ઉઠયા તો આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતાં. ત્યારબાદ ઝડપી પવનો ફૂંકાયા હતાં અને વરસાદ પડયો હતો.

બીજી તરફ રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ફલોદીમાં મહત્તમ તાપમાન ૪૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. ચિત્તોડગડમાં ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જો કે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વીજળીનાં ચમકારા સાથે વરસાદ પડયો હતો. જ્યારે ધર્મશાળામાં કરાં પડયા હતાં.