India

પહાડોથી મેદાનો સુધી વરસાદનો કહેર! ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, બિહાર-ઓડિશામાં પૂરનો ખતરો, 8 રાજ્યોમાં IMDની ચેતવણી

By GS Team
25 Sep 20264 mins read
TukuTouch Logo
સપ્ટેમ્બરના અંતે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે હવામાન પલટાયું છે. યુપીના 4 જિલ્લામાં 1 થી 12 ધોરણની શાળાઓ બંધ કરાઈ છે. ઓડિશામાં 10,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઉત્તરાખંડના 5 જિલ્લામાં રેડ એલર્ટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહાડોથી મેદાનો સુધી વરસાદનો કહેર! ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, બિહાર-ઓડિશામાં પૂરનો ખતરો, 8 રાજ્યોમાં IMDની ચેતવણી

Heavy Rain Alert : સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર વરસાદે દેશના અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં અવિરત વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે, માર્ગો ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પ્રભાવથી હવામાન પલટાયું છે અને આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશમાં 25 અને 26 સપ્ટેમ્બરના રોજ અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગામી 3 દિવસ સુધી મુશળધાર વરસાદ ચાલુ રહી શકે છે. વરસાદના રેડ અને ઓરેન્જ એલર્ટને ધ્યાને રાખીને વહીવટીતંત્રે સાવચેતીના પગલાં ભર્યા છે. લખનઉ, કાનપુર દેહાત, અયોધ્યા અને કૌશામ્બીમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય મિર્ઝાપુર, બાંદા, ચિત્રકૂટ અને પ્રયાગરાજમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મધ્ય પ્રદેશના પૂર્વી અને પશ્ચિમી વિસ્તારોમાં પણ 26 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

ઉત્તરાખંડના 5 જિલ્લામાં રેડ એલર્ટ, પિથોરાગઢ-નૈનીતાલમાં શાળાઓ બંધ

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં કુદરતે ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બાગેશ્વર, નૈનીતાલ, પિથોરાગઢ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં ભારેથી અતિભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દહેરાદૂન, પૌડી, ચમોલી, રુદ્રપ્રયાગ અને અલ્મોડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ચમોલીમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વીજળીના કડાકા-ભડાકાની આશંકા છે. સુરક્ષાના ભાગરૂપે પિથોરાગઢ અને નૈનીતાલ જિલ્લામાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ પ્રવાસીઓ અને નાગરિકોને નદી-નાળાની નજીક ન જવા અપીલ કરાઈ છે.

છત્તીસગઢના બસ્તરમાં જળબંબાકાર, ડેમના દરવાજા ખોલાયા

છત્તીસગઢના બસ્તર સંભાગમાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદને લીધે પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જગદલપુર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને માર્ગ વ્યવહાર ઠપ થઈ ગયો છે. દંતેવાડા, બીજાપુર, કોંડાગાંવ, કાંકેર, બસ્તર, ગરિયાબંદ, ધમતરી અને દુર્ગ જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. કોંડાગાંવમાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક ખેડૂતનું મોત નીપજ્યું છે. ધમતરીમાં ભારે આવકના કારણે ગંગરેલ જળાશય 98 ટકા અને મુરુમસિલ્લી જળાશય 100 ટકા ભરાઈ જતાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે.

ઓડિશામાં 10 હજાર લોકોનું સ્થળાંતર, 24 સ્થળોએ 100 મિમીથી વધુ વરસાદ

બંગાળની ખાડીના ડીપ ડિપ્રેશનની સીધી અસર ઓડિશા પર જોવા મળી છે, જ્યાં 24 જેટલા સ્થળોએ 100 મિમી કરતાં વધારે વરસાદ નોંધાયો છે. નબરંગપુરના તેંતુલીખૂંટીમાં 395 મિમી, નંદહાંડીમાં 344 મિમી અને કોરાપુટના બોરીગુમામાં 307.8 મિમી વરસાદ ખાબક્યો છે. નદીઓના જળસ્તરમાં ભયજનક ઉછાળો આવતા 10,000 થી વધુ લોકોને નીચાણવાળા અને ભૂસ્ખલનની શક્યતા ધરાવતા વિસ્તારોમાંથી બહાર કાઢીને 200 રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. બચાવ કામગીરી માટે ODRAFની 33 ટીમો અને ફાયર સર્વિસની 300 થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે.

ઝારખંડમાં વૃક્ષ પડતાં સ્કૂલ બસ દબાઈ, વિમાની સેવાઓ પ્રભાવિત

ઝારખંડની રાજધાની રાંચીમાં શુક્રવારે ભારે પવન અને વરસાદ વચ્ચે એક મોટું ઝાડ સ્કૂલ બસ પર તૂટી પડ્યું હતું, જોકે સદનસીબે બસમાં સવાર બાળકોનો આબાદ બચાવ થયો હતો અને પોલીસે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રાજ્યભરમાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે બપોરે 2 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછી 5 ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી હતી.

ઉત્તર બંગાળમાં લેન્ડસ્લાઇડ, દાર્જિલિંગની હોસ્પિટલ પર કાટમાળ પડ્યો

પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદથી જમીન ધસી પડવાના બનાવો સામે આવ્યા છે. દાર્જિલિંગ જિલ્લાની તકદાહ ગ્રામીણ હોસ્પિટલ પર શુક્રવારે વહેલી સવારે ભેખડ ધસી પડતાં દોડધામ મચી ગઈ હતી. દર્દીઓને તાત્કાલિક અન્ય સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાર્જિલિંગમાં 24 કલાકમાં 153 મિમી અને કાલિમપોંગમાં 113 મિમી વરસાદ નોંધાયો છે, જેના કારણે બંને જિલ્લાઓમાં હજુ પણ ભૂસ્ખલનનું જોખમ તોળાઈ રહ્યું છે.

બિહારમાં કોસી નદી ગાંડીતૂર, સરકારી કર્મીઓની રજાઓ રદ્દ

નેપાળના જળગ્રહણ ક્ષેત્રમાં અવિરત વરસાદને કારણે બિહારની નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ છે. કોસી નદીનું વીરપુર બેરેજ પરથી ડિસ્ચાર્જ 1.81 લાખ ક્યુસેક અને ગંડક નદીનું વાલ્મીકિનગર બેરેજ પરથી ડિસ્ચાર્જ 79,700 ક્યુસેક નોંધાયું હતું. સુપૌલ, ખગડિયા, મુઝફ્ફરપુર અને ભાગલપુરમાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 28 સપ્ટેમ્બરના રોજ કોસી બેરેજમાંથી 6.30 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાવાની શક્યતાને પગલે સહરસા જિલ્લા પ્રશાસને પૂર વ્યવસ્થાપન માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ 15 ઓક્ટોબર 2026 સુધી તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધી છે.