નવા વર્ષે 7 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને રેલવેની મોટી ભેટ : ટ્રેન ભાડામાં થશે મોટો ઘટાડો, જાણો નવો નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Railways Train Fare Cut : નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય રેલવે દ્વારા સામાન્ય મુસાફરોને મોટો આર્થિક લાભ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, દિલ્હી અને ચંડીગઢમાંથી દોડતી 18 મહત્વની સુપરફાસ્ટ ટ્રેનોના મુસાફરો માટે ખુશખબર આવી છે. ભારતીય રેલવે તંત્ર દ્વારા આ 18 સુપરફાસ્ટ ટ્રેનોનો સુપરફાસ્ટ દરજ્જો હટાવીને તેમને સામાન્ય મેલ અને એક્સપ્રેસ શ્રેણીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોટા ફેરફારના પરિણામે મુસાફરોએ હવે ટિકિટ બુક કરતી વખતે વધારાનો સુપરફાસ્ટ સરચાર્જ ચૂકવવો પડશે નહીં, જેનાથી સીધું ટિકિટ ભાડું ઘટી જશે.
ટ્રેન ટિકિટ પર મુસાફરોને બચત થશે
ટ્રેનોમાંથી સુપરફાસ્ટ સરચાર્જ રદ થવાને કારણે મુસાફરી શ્રેણી મુજબ ટિકિટના દરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતા લોકોને પ્રતિ ટિકિટ રૂ.30 નો ઘટાડો મળશે. એસી ચેર કાર, 3 એસી, 3 એસી ઇકોનોમી તેમજ 2 એસી ક્લાસના મુસાફરોને ટિકિટ દીઠ રૂ.45 ની સીધી રાહત મળશે, જ્યારે ફર્સ્ટ એસી કેટેગરીમાં મુસાફરી કરવા પર ટિકિટ દીઠ રૂ.75 સુધીની બચત થશે. રોજિંદા અને અવારનવાર મુસાફરી કરતા નોકરિયાત તથા સામાન્ય વર્ગના લોકોને આ નિર્ણયથી ઘણો મોટો આર્થિક ટેકો મળશે.
1 જાન્યુઆરી 2027થી લાગુ થશે આ નવો નિયમ
રેલવે તંત્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ભાડામાં રાહત આપતો અને સુપરફાસ્ટ કેટેગરી રદ કરવાનો આ નવો આદેશ 1 જાન્યુઆરી 2027થી અમલમાં આવશે. નવા વર્ષના પ્રથમ દિવસથી આ તમામ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને ઘટાડેલા ભાડાનો લાભ મળવાનું શરૂ થઈ જશે.
મુસાફરો ખાસ નોંધ લે: આ 18 ટ્રેનોના નંબરમાં થયો ફેરફાર
સુપરફાસ્ટ કેટેગરીમાંથી સામાન્ય મેલ અને એક્સપ્રેસ શ્રેણીમાં બદલાવાને કારણે આ તમામ 18 ટ્રેનોના જૂના નંબરો પણ બદલી નાખવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં મુસાફરી માટે ટિકિટ બુકિંગ કરાવતી વખતે જૂના નંબરને બદલે નીચે આપેલા નવા નંબર ધ્યાને લેવા જરૂરી છે…
- ટનકપુર - જૂની દિલ્હી પૂર્ણાંગિરી જનશતાબ્દી: જૂનો નંબર 12035, નવો નંબર 15317
- જૂની દિલ્હી - ટનકપુર પૂર્ણાંગિરી જનશતાબ્દી: જૂનો નંબર 12036, નવો નંબર 15318
- દહેરાદૂન - કાઠગોદામ નૈની જનશતાબ્દી: જૂનો નંબર 12091, નવો નંબર 15315
- કાઠગોદામ - દહેરાદૂન નૈની જનશતાબ્દી: જૂનો નંબર 12092, નવો નંબર 15316
- મુરાદાબાદ - રામનગર કોર્બેટ પાર્ક લિંક એક્સપ્રેસ: જૂનો નંબર 25013, નવો નંબર 15313
- રામનગર - મુરાદાબાદ કોર્બેટ પાર્ક લિંક એક્સપ્રેસ: જૂનો નંબર 25014, નવો નંબર 15314
- મુરાદાબાદ - રામનગર લિંક એક્સપ્રેસ: જૂનો નંબર 25035, નવો નંબર 15335
- રામનગર - મુરાદાબાદ લિંક એક્સપ્રેસ: જૂનો નંબર 25036, નવો નંબર 15336
- ઇસ્લામપુર - નવી દિલ્હી મગધ એક્સપ્રેસ: જૂનો નંબર 20801, નવો નંબર 18633
- નવી દિલ્હી - ઇસ્લામપુર મગધ એક્સપ્રેસ: જૂનો નંબર 20802, નવો નંબર 18634
- દરભંગા - જાલંધર સિટી અંત્યોદય એક્સપ્રેસ: જૂનો નંબર 22551, નવો નંબર 15541
- જાલંધર સિટી - દરભંગા અંત્યોદય એક્સપ્રેસ: જૂનો નંબર 22552, નવો નંબર 15542
- પાટલિપુત્ર - ચંડીગઢ એક્સપ્રેસ: જૂનો નંબર 22355, નવો નંબર 13255
- ચંડીગઢ - પાટલિપુત્ર એક્સપ્રેસ: જૂનો નંબર 22356, નવો નંબર 13256
- મુઝફ્ફરપુર - આનંદ વિહાર બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ: જૂનો નંબર 12557, નવો નંબર 15577
- આનંદ વિહાર - મુઝફ્ફરપુર બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ: જૂનો નંબર 12558, નવો નંબર 15578
- રાજગીર - નવી દિલ્હી શ્રમજીવી એક્સપ્રેસ: જૂનો નંબર 12391, નવો નંબર 13291
- નવી દિલ્હી - રાજગીર શ્રમજીવી એક્સપ્રેસ: જૂનો નંબર 12392, નવો નંબર 13292
ટિકિટ બુકિંગ વખતે આ બાબતનું રાખવું પડશે ધ્યાન
જો તમે પણ આવનારા સમયમાં આ ટ્રેનો મારફતે મુસાફરીનું આયોજન કરી રહ્યા હોવ, તો ટિકિટ બુક કરતી વખતે ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે. રેલવે સિસ્ટમમાં આ ટ્રેનો હવે તેમના નવા નંબરથી જ સર્ચ થશે. જો મુસાફરો જૂના નંબરથી ટ્રેન શોધવાનો પ્રયાસ કરશે તો મુશ્કેલી પડી શકે છે. તેથી સસ્તા ભાડાની સાથે સાથે ટ્રેનના સાચા નવા નંબરની પણ ચોકસાઈ કરી લેવી હિતાવહ છે.




