Get The App

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ 1 - image


Bharat Taxi App: ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓને ટક્કર આપવા અને ગ્રાહકોને વધુ સારી અને સસ્તી સુવિધા પૂરી પાડવા માટે દિલ્હીમાં ભારત ટેક્સી એપ લોન્ચ કરવામાં આવી રહી છે. પહેલી જાન્યુઆરીથી સૌપ્રથમ દિલ્હીમાં આ સર્વિસને લોન્ચ કરવામાં આવશે અને ગુજરાતમાં પણ એની ટ્રાયલ ચાલુ છે. એના દ્વારા ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક નવી પહેલ શરૂ થઈ શકે છે. આ એપ્લિકેશન દ્વારા ભારતીયોને સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને સસ્તી સુવિધા પૂરી પાડવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર હવે ડિજિટલ બનવા જઈ રહ્યું છે ત્યારે આ એપ્લિકેશન એક દેશી સર્વિસ તરીકે સામે આવી રહી છે. સરકારની મદદથી આ સર્વિસને શરૂ કરવામાં આવી રહી છે. ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીએ આ એપ્લિકેશન ટક્કર આપશે.

શું છે ભારત ટેક્સી એપ?  

ભારત ટેક્સી એક એપ્લિકેશન આધારિત કેબ બુકિંગ પ્લેટફોર્મ છે. ઓલા અને ઉબરની જેમ આ સર્વિસ પણ મોબાઇલની મદદથી બુક કરી શકાશે. એને સામાન્ય ભારતીયોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ સેવાને સહકાર ટેક્સી કોઓપરેટિવ સાથે મળીને સરકારની મદદથી શરૂ કરવામાં આવી છે. એમાં સંપૂર્ણ રીતે ડ્રાઇવરના હકને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે અને તેમના હિતને પણ. આ એપ્લિકેશનની મદદથી યાત્રીઓ લોકલ અને આઉટસ્ટેશન બન્ને યાત્રાઓ બુક કરી શકશે.

અચાનક કિંમત વધુ થઈ જવાથી મળશે રાહત  

ભારત ટેક્સી એપ્લિકેશનની સૌથી મહત્વની વાત એ હશે કે એના દ્વારા યાત્રીઓને ઓલા અને ઉબર જેવી કંપનીઓની અચાનક કિંમત વધારી દેવાની ટેવથી છૂટકારો મળશે. પીક ટાઇમ, ખરાબ મોસમ અને તહેવાર દરમ્યાન જ્યારે ટેક્સીની ડિમાન્ડ હોય ત્યારે ઓલા અને ઉબર દ્વારા અચાનક કિંમત વધારી દેવામાં આવે છે. આથી યાત્રીઓને હવે એનાથી હાંશકારો મળશે એવી આશા છે. ભારત ટેક્સી એપમાં ભાડું પહેલેથી નક્કી અને પારદર્શક હશે.

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ 2 - image

ડ્રાઇવરોને મળશે વધુ ફાયદો  

ભારત ટેક્સી એપ્લિકેશન ડ્રાઇવર ફ્રેન્ડલી મોડલ પર કામ કરે છે. એમાં ડ્રાઇવરને 80 ટકાથી પણ વધુ ભાડું મળી શકશે. આથી તેમની કમાણીમાં વધારો થશે અને તેઓ કોઈ પણ પ્રકારના દબાવ વગર મુક્તપણે કામ કરી શકશે. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે કેબ ડ્રાઇવર પ્રાઇવેટ ટેક્સીની મનમાનીથી ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. જોકે હવે તેમને પણ એનાથી છૂટકારો મળશે.

દિલ્હીમાં જોરશોરથી તૈયારી શરૂ  

આ એપ્લિકેશન લોન્ચ થાય એ પહેલાં જ દિલ્હીમાં લગભગ 56 હજાર ડ્રાઇવરો દ્વારા ભારત ટેક્સી એપ પર રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ આંકડા પરથી ખબર પડે છે કે ડ્રાઇવરોમાં આ એપ્લિકેશનને લઈને કેટલો ઉત્સાહ છે. સરકારને ખાતરી છે કે શરૂઆતથી જ યાત્રીઓને પૂરતી કેબ મળી રહેશે અને તેમણે રાહ નહીં જોવી પડે.

ઓટો, કાર અને બાઇકની મળશે સુવિધા  

ભારત ટેક્સી એપ્લિકેશન પર યાત્રીઓને ઓટો, કાર અને બાઇક ટેક્સી ત્રણેની સુવિધા મળશે. ઓલા, ઉબર અને રેપિડો જેવી આ એપ્લિકેશન પર પણ દરેક યુઝરને તેમની જરૂરિયાત અનુસાર વાહન મળી રહેશે. આ પ્લેટફોર્મ પર લોકલથી લઈને દૂર જવા માટેના દરેક વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતથી દિલ્હીના રોડ પર આ એપ્લિકેશન કેવી અસરકારક રહે એના પર સૌની નજર છે.

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસ: અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ 3 - image

યુઝર્સને કેવી મળશે સર્વિસ?  

ભારત ટેક્સી એપમાં રિયલ ટાઇમ ટ્રેકિંગ, 24x7 કસ્ટમર સપોર્ટ, કેશ અને ડિજિટલ પેમેન્ટ વિકલ્પ અને સેફ્ટી જેવા ઘણાં આધુનિક વિકલ્પ આપવામાં આવશે. આ કેબ સર્વિસનો ફાયદો ફેમિલી, કોર્પોરેટ યુઝર્સ અને ટૂરિસ્ટ દરેક લઈ શકશે. દરેક લોકો માટે આ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

ડ્રાઇવરો માટે કમાણીનો સારો વિકલ્પ

આ એપ્લિકેશનની મદદથી ડ્રાઇવરને ચોક્કસ કમાણીનો અવસર મળશે. કંપનીનું કહેવું છે કે ડ્રાઇવર ઓછું કમિશન ચૂકવવું પડશે. તેમ જ તેમના માટે પણ ટેક્નિકલ સપોર્ટ અને સમયસર પૈસા ચૂકવી દેવાની સુવિધા રાખવામાં આવી છે જેથી તેમના પૈસા અટકી નહીં રહે. એના દ્વારા ડ્રાઇવર અને પ્લેટફોર્મ વચ્ચે પણ એક ભરોષાપાત્ર સંબંધ बनी રહેશે.

આ પણ વાંચો: એપલ બનાવી રહ્યું છે તેમના પહેલાં AI સ્માર્ટ ગ્લાસ, જાણો શું હશે નવું…

એપ્લિકેશન કેવી રીતે કરશો ડાઉનલોડ?

ભારત ટેક્સી એપ્લિકેશન હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર ફીડબેક માટે ઉપલબ્ધ છે. કોઓપરેટિવનું કહેવું છે કે આઇફોન માટેની એપ્લિકેશન પણ બહુ જલદી લોન્ચ કરવામાં આવશે. હાલમાં દિલ્હી અને ગુજરાત માટે એનું ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનનું નામ ભારત ટેક્સી ડ્રાઇવરનાં નામથી જોવા મળશે. સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનને જ ડાઉનલોડ કરવા માટે દરેક યુઝરને વિનંતી કરવામાં આવી છે.

Tags :