Indian Railways: રેલવેમાં મુસાફરી કરતાં લોકોએ હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ મામલે સરકારે માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (17 ડિસેમ્બર) જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કી કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે.
તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીએ પૂછેલા સવાલના લેખિત જવાબમાં વૈષ્ણવે સામાન પર એકસ્ટ્રા ચાર્જ મામલે નિવેદન આપ્યું હતું. રેડ્ડીએ અગાઉ પૂછ્યું હતું કે, શું રેલવે, ઍરપોર્ટ પર અપનાવવામાં આવેલા સામાનના નિયમો જેવા જ ટ્રેન મુસાફરો માટે સામાનના નિયમો લાગુ કરાશે? જેના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે, 'હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.'
જાણો નિયમ
રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, રેલવેમાં સેકન્ડ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જોકે, ફી ચૂકવીને 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે. સ્લીપર ક્લાસના મુસાફરોને 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 80 કિલો છે.
જ્યારે એસી 3-ટાયર અથવા ચેર કારમાં મુસાફરી કરતાં મુસાફરોને 40 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જે મહત્તમ મર્યાદા છે. ફર્સ્ટ ક્લાસ અને એસી 2-ટાયરના મુસાફરોને 50 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 100 કિલો છે. તેમજ એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરો 70 કિલો સુધી મફત સામાન લઈ જઈ શકશે, જેમાં મુસાફરો ફી ચૂકવીને 150 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે.
આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે
રેલવે મંત્રી અનુસાર, 100 સેન્ટિમીટર લાંબા, 60 સે.મી. પહોળાઈ અને 25 સે.મી. ઊંચાઈવાળા સુટકેસ, બોક્સ સહિતના અમુક સામાનને વ્યક્તિગત સામાન તરીકે લઈ જવાની અનુમતિ છે. જેમાં મુસાફરોના સુટકેસ, બોક્સ સહિતનો સામાનનું માપ વધુ હશે તો આવી વસ્તુને બ્રેકવેન અથવા પાર્સલ વેનમાં બુક કરીને લઈ જવી પડશે. જ્યાં કોમર્શિયલ માલસામાનને વ્યક્તિગત સામાન તરીકે ડબ્બામાં લઈ જવાની મંજૂરી નથી.


