Get The App

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ 1 - image

 File Photo


Ashwini Vaishnaw : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં વળતર અંગે મોટી જાહેરાત કરી છે. રેલવેએ દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે પોતાની કામગીરીમાં ફેરફાર કરીને e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરી છે.

આ નવું ડિજિટલ પ્લેટફોર્મ રેલવે અકસ્માતો, અણધારી ઘટનાઓ, માલસામાનનું નુકસાન અથવા ભાડાના વિવાદો અંગેના કેસોના ઉકેલને સરળ બનાવશે. અગાઉ આ મામલાઓમાં ફાઇલિંગથી માંડીને સુનાવણી સુધી ઘણી ઔપચારિકતાઓ અને સમય લાગતો હતો, પરંતુ હવે આખી સિસ્ટમ ઓનલાઇન થવાથી પ્રક્રિયા ઘણી ઝડપી અને અનુકૂળ બની ગઈ છે.

e-RCT શું છે અને તે કેવી રીતે કામ કરશે?

ભારતીય રેલવેમાં પારદર્શિતા અને મુસાફરોની સુવિધાઓ માટે ક્રાંતિકારી પગલું ભરતા 'ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ'ની શરૂઆત કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં કામ કરશે. જેના અંતર્ગત e-RCT સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે અને ગમે ત્યાંથી પોતાનો દાવો ઓનલાઇન નોંધાવી શકે છે. કેસ નોંધવામાં ચેકલિસ્ટ આધારિત સ્ક્રુટિની, દસ્તાવેજ અપલોડ, આપમેળે કેસ એલોકેશન અને નોટિસની ડિજિટલ કોપી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુનાવણી માટે ઈ-હિયરિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી પક્ષકારોએ અદાલત આવવાની જરૂરિયાત નહીવત્ત થઇ જશે. 

ફાઇલિંગથી માંડી ચુકાદા સુધી બધું જ ઓનલાઇન

આ પ્લેટફોર્મ પર કેસની સંપૂર્ણ પ્રગતિ, એટલે કે ફાઇલિંગથી લઈને ચુકાદો આવે ત્યાં સુધીની વિગતો એક જ જગ્યાએ જોઈ શકાશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ માત્ર સમય જ નહીં બચાવે, પરંતુ કેસોના નિકાલને પારદર્શક અને વિશ્વસનીય પણ બનાવશે. અધિકારીઓનું માનવું છે કે e-RCT સિસ્ટમથી પેન્ડન્સી (બાકી કેસો) ઘટશે અને સામાન્ય જનતાને સાચા અર્થમાં રાહત મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કડક ચેતવણી

આ અગાઉ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇન્ટરનેટ અને ડિજિટલ સુરક્ષા પર પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્લેટફોર્મ્સે હવે જાગવું પડશે અને સમજવું પડશે કે માનવ સમાજે હજારો વર્ષોમાં જે સંસ્થાઓનું નિર્માણ કર્યું છે, તેમાં વિશ્વાસ મજબૂત કરવો કેટલો મહત્વપૂર્ણ છે. પ્લેટફોર્મ્સે તેમના દ્વારા હોસ્ટ કરવામાં આવતા કન્ટેન્ટની જવાબદારી લેવી પડશે. બાળકોની ઓનલાઇન સુરક્ષા અને તમામ નાગરિકોની ડિજિટલ સુરક્ષાની જવાબદારી પણ આ પ્લેટફોર્મ્સની છે.

AI અને સિન્થેટિક કન્ટેન્ટ પર નવો નિયમ

ડિજિટલ ઇન્ડિયાના બદલાતા સ્વરૂપને જોતા રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, જો પ્લેટફોર્મ સુરક્ષાના ધોરણોનું પાલન નહીં કરે, તો તેમને જવાબદાર ગણવામાં આવશે. કોઈપણ વ્યક્તિના ચહેરા, અવાજ કે વ્યક્તિત્વનો ઉપયોગ તેની પરવાનગી વગર સિન્થેટિક કન્ટેન્ટ (AI જનરેટેડ) તૈયાર કરવા માટે ન થવો જોઈએ. હવે આ દિશામાં મોટો બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. તેમણે પ્લેટફોર્મ્સને વિનંતી કરી કે તેઓ સમાજની આ પાયાની જરૂરિયાતને સમજે અને સહકાર આપે.