‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ
Rahul Gandhi's Allegation on EC : કર્ણાટકના બેંગલુરુમાં કોંગ્રેસની ‘વોટ અધિકાર રેલી’ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નવો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘જ્યારે દેશની પ્રજા ડેટાને લઈને સવાલ પૂછી રહી છે, ત્યારે ચૂંટણી પંચે વેબસાઇટ જ બંધ કરી દીધી છે. ચૂંટણી પંચે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પોતાની વેબસાઇટ બંધ કરી દીધી છે. ચૂંટણી પંચ પણ જાણે છે કે, પ્રજા તેમને પ્રશ્ન પૂછવા લાગશે તો તેમનું આખું માળખું તૂટી જશે.’
‘...તો અમે આખા દેશમાં બેઠકોની ચોરી થઈ હોવાનું સાબિત કરી બતાવીશું’
ચૂંટણી પંચે તાજેતરમાં રાહુલ ગાંધીને સોગંદનામું મોકલ્યું હતું, જેમાં સહી કરીને માફી માંગવાની વાત કહેવાઈ હતી, ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ચૂંટણી પંચ મારી પાસે સોગંદનામું માંગે છે. તેઓ કહે છે કે, મારે શપથ લેવી પડશે, પરંતુ મેં સંસદમાં બંધારણની શપથ લીધી છે.’ રાહુલે ફરી માંગ કરી છે કે, ‘ચૂંટણી પંચ આખા દેશની ઈલેક્ટ્રોનિક વૉટર યાદી અને ચૂંટણીની વીડિયોગ્રાફીના રૅકોર્ડ આપે. જો અમને તે મળી જશે તો સાબિત કરીશું કે, આખા દેશમાં બેઠકોની ચોરી કરવામાં આવી છે.’
ચૂંટણી પંચે રાહુલને મોકલ્યું હતું સોગંદનામું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ (Election Commission) પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીપંચ દ્વારા મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કાં તો તે કાગળ પર સહી કરે અથવા દેશની માફી માંગી લે. જોકે, રાહુલ ગાંધી હજુ તેમની વાત પર અડગ છે. કોંગ્રેસ બેંગ્લુરુમાં વોટ અધિકારી રેલી યોજી હતી અને તેમાં ફરીથી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે સમય બદલાશે ત્યારે સજા આપવામાં આવશે.
આ પણ વાંચો : ભારતમાં ચાલશે 135 સીટર બસ, મેટ્રો કરતાં સસ્તી પણ સુવિધા વિમાન જેવી: ગડકરીનો નવો વાયદો
‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : દાળમાં કંઈક કાળું છે’
રાહુલ ગાંધીએ ફરી આરોપ લગાવતાં કહ્યું કે, ‘પહેલા લોકસભાની ચૂંટણી થઈ, પછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાઈ. અમારું ગઠબંધન લોકસભામાં ભારે બેઠકો સાથે જીત્યું હતું, પરંતુ ચાર મહિના બાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી ગઈ. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે. અમે તપાસ કરી તો ખબર પડી કે, વિધાનસભા ચૂંટણીમાં નવા એક કરોડ મતદારોએ મતદાન કર્યું છે. આ નવા મતદારો જ્યાં પણ આવ્યા, ત્યાં ભાજપે જીત મેળવી છે. અમને મળેલા મતોમાં ઘટાડો થયો નથી, પરંતુ નવા મતદારોના મત ભાજપના ખાતામાં ગયા છે. તે દિવસે અમને સમજાયું કે, દાળમાં કંઈક કાળું છે.’
અમે તપાસ કરીને ‘વૉટ ચોરી’ સાબિત કરી બતાવી : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, ‘અમને ચૂંટણી પંચે મદદ ન કરી, તો અમે જાતે તપાસ શરુ કરી દીધી. તપાસ માટે અમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની મહાદેવાપુરા વિધાનસભા મતવિસ્તારની પસંદગી કરી હતી. અમને તપાસમાં જે મળી આવ્યું તે પ્રેસ કોન્ફરન્સમાં સૌની સામે ઉજાગર કર્યું અને સાબિત કરી બતાવ્યું કે, ભાજપ અને ચૂંટણી પંચે મળીને વોટ ચોરી કરી છે. મહાદેવાપુરા વિધાનસભા મતવિસ્તારમાં છ લાખ મત છે, તેમાંથી 1,00,250 મતની ચોરી કરવામાં આવી છે. એટલે કે ભાજપે દર 6 મતમાંથી એક વોટની ચોરી કરી છે. અમે કર્ણાટકમાંથી જે ડેટા કાઢ્યો છે, તે અપરાધના પુરાવા છે. આ ડેટા કાઢવામાં અમને છ મહિના લાગ્યા હતા. અમે દરેક નામની તપાસ કરી હતી, દરેક ફોટાને લાખો ફોટો સાથે મેચ કર્યા હતા. અમારું માનવું છે કે, ચૂંટણીનો ડેટા એક પુરાવો છે. જો તેને કોઈ ખતમ કરશે તો તેને અર્થ એ છે કે, તેઓ પુરાવા મિટાવી રહ્યા છે.’
આ પણ વાંચો : કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર', રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ