કોંગ્રેસના યુવરાજની ભાષામાં અહંકાર', રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપનો જવાબ
Rahul Gandhi Accused of Arrogance in Speech: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા 'મત ચોરી'ના આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે,'વિપક્ષના નેતા રાહુલ ગાંધી તૈયારી કર્યા પછી પણ મોટું જૂઠ્ઠું બોલે છે.'
આ પણ વાંચો : બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી
કોંગ્રેસના 'યુવરાજ' અને વિપક્ષના નેતાની ભાષામાં અહંકાર હતો
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે, 'છેલ્લા ઘણા દિવસોથી આપણા દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધી 'એટમ બોમ્બ' ફેંકવાની વાત કરી રહ્યા હતા. મને ગઈકાલે એક મિત્રએ કહ્યું કે, તેઓ જે ઝાડ પર બેઠા હતા, તેને જ કુહાડી લઈને કાપવાનું કામ કરી રહ્યા છે. સાચું કહું તો, કોંગ્રેસના 'યુવરાજ' અને વિપક્ષના નેતાની ભાષામાં અહંકાર હતો. જે ચૂંટણી પંચના કર્મચારીઓ માટે હતો. રાહુલ ગાંધીનું નિવેદન 'જ્યારે અમે સત્તામાં આવીશું, ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ, ભલે તે નાના હોય કે મોટા હોય તેમને પરિણામ ભોગવવા પડશે.' શું દેશની બંધારણીય સંસ્થાઓના કર્મચારીઓ માટે આવી ભાષામાં બોલવું વિપક્ષના નેતાને શોભે છે.'
'આપણું ભારતીય બંધારણ મજબૂત છે'
તેમણે વધુમાં કહ્યું, 'તેમની રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ ખોટા દાવાઓ કરીને ભારતની બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ આપણું ભારતીય બંધારણ મજબૂત છે અને ભારતના લોકોએ વારંવાર તેમના ખોટા દાવાઓને નકારી કાઢ્યા છે.'
કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટને આડું- અવળું બોલવાનું નથી ચૂકતા
ભૂપેન્દ્ર યાદવે કહ્યું, 'દેશની સેનાના ગૌરવ પર સવાલ ઉઠાવનારા પણ રાહુલ ગાંધી જ છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પર કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટને આડું-અવળું બોલવાનું નથી ચૂકતા. આ દેશમાં સેના, ચૂંટણી પંચ, સંસદ એ બધી એવી સંસ્થાઓ છે, જે સ્વાયત્ત અને સ્વતંત્ર રીતે કામ કરે છે. આપણે બધા તેના દ્વારા સંપૂર્ણપણે નિયંત્રિત છીએ. એટલે જ્યારે કોઈ સ્વતંત્ર સંસ્થા કોઈપણ રાજકીય પ્રોસેસને ફોલો કરે છે, ત્યારે આપણે બધાએ તેને સ્વીકારવું જોઈએ, કારણ કે આ બધી સંસ્થાઓને દેશના બંધારણ દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.'
'...તો શું તેને 60 ટકા ઘટાડીને સમજવું જોઈએ?ટ
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાહુલ ગાંધી પર જૂઠ્ઠું બોલવાનો આરોપ લગાવતાં કહ્યું, 'વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તૈયારી કર્યા પછી એક મોટું જૂઠું બોલ્યા, તેમણે એમ કહ્યું કે, મહારાષ્ટ્રમાં 1 કરોડ મતો વધ્યા છે.' ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર લખેલું છે કે 2024માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 9,71,41,289 અને લોકસભા સમયે 9,30,61,760 મતદારો હતા. લોકસભા અને વિધાનસભા વચ્ચે 40 લાખ મતો વધ્યા હતા, જ્યારે રાહુલ ગાંધી 1 કરોડ કહી રહ્યા છે. તેથી 60 ટકાનો ફેરફાર થયો. જો તેઓ ભવિષ્યમાં કંઈપણ બોલી શકે છે, તો શું તેને 60 ટકા ઘટાડીને સમજવું જોઈએ?'