'ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી', વોટ ચોરી મામલે ભાજપનો જવાબ
BJP Hits Back At Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપોની ભાજપના નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીના "વોટ ચોરી"ના આરોપોની ટીકા કરતાં ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ભારતમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે. ભારતનું ચૂંટણી પંચ કોઈપણ પક્ષપાત વિના કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધી લોકશાહીને નબળી પાડી, નાગરિકોને ગેરમાર્ગે દોરવા અને બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 'ઘુસણખોરોનું રાજકારણ' એ રાહુલ ગાંધીનો એકમાત્ર એજન્ડા છે. તેમણે કહ્યું કે જો ગેરકાયદેસર મતદારોને બચાવવાના કોંગ્રેસના કથિત એજન્ડાને પ્રોત્સાહન આપીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના હિતોને સૌથી વધુ નુકસાન થશે. ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારની વારંવાર ટીકા બાદ ચૂંટણી પંચનો બચાવ કરતાં ભાજપના નેતાએ યુપીએ સરકારમાં મંત્રી તરીકે સેવા આપનારા ભૂતપૂર્વ ચીફ ઈલેક્શન કમિશ્નર એમ એસ ગિલ અને કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનારા ટીએન શેષનના સંબંધોનો ઉલ્લેખ કરતાં વળતો પ્રહાર કર્યો હતો.
ટૂલકીટની મદદથી બંધારણીય સંસ્થાઓ પર સવાલ
તેમણે કહ્યું કે, 2023માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાંથી નામ દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે પોતે જ આ સંદર્ભમાં FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે પહેલાથી જ મોબાઇલ નંબર અને IP એડ્રેસ આપ્યા હતા. તેમ છતાં કોંગ્રેસ શાસિત કર્ણાટકની CIDએ અત્યાર સુધી શું કર્યું ? રૅકોર્ડ મુજબ, કોંગ્રેસના ઉમેદવાર આલંદ વિધાનસભા મતવિસ્તાર જીત્યા હતા. તો, શું કોંગ્રેસ મત ચોરી કરીને જીતી? રાહુલ ગાંધીએ પોતે તેમની પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે તેઓ લોકશાહી બચાવવા માટે અહીં આવ્યા નથી. જો તેઓ બચાવવા માટે નથી આવ્યો તો શું તેમનો હેતુ તેનો નાશ કરવાનો છે? ટૂલકીટની મદદથી, તેઓ સતત આપણી બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ 90 ચૂંટણી હારી
રાહુલ પર આકરા પ્રહાર કરતાં તેમણે આગળ કહ્યું કે, તેઓ નિરાશ છે કે કોંગ્રેસ તેમના નેતૃત્વમાં 90 ચૂંટણી હારી ગઈ. તેથી, તેઓ હવે પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી રહ્યા છે. રાહુલ આજની પ્રેસ કોન્ફરન્સમાં 'હાઇડ્રોજન બોમ્બ' ફોડવાના હતા, પરંતુ તેઓ ફક્ત ફટાકડા લાવ્યા.
આ પણ વાંચોઃ 'આરોપો પાયાવિહોણા અને ખોટા છે...' રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
પાયાવિહોણા આરોપો મૂકવાની તેમની ટેવ
અનુરાગ ઠાકુરે કહ્યું, 'આ એક એવા નેતા છે જે વારંવાર ચૂંટણી હારી જાય છે. વારંવાર જનતા દ્વારા તેમનો અસ્વીકાર કરવામાં આવે છે. જેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી લગભગ 90 ચૂંટણી હારી ગઈ, તેમની હતાશા અને નિરાશા સતત વધી રહી છે. રાહુલ ગાંધીએ આરોપોના રાજકારણને પોતાનું બળ બનાવ્યું છે. જ્યારે તેમને આરોપોને સાબિત કરવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ મોંઢુ ફેરવી લે છે અને ભાગી જાય છે. જ્યારે તેમને સોગંદનામું આપવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓ તેનો ઇન્કાર કરે છે. પાયાવિહોણા આરોપો લગાવવા એ તેમની ટેવ બની ગઈ છે.'
મતદારોઓનું અપમાનઃ રવિશંકર પ્રસાદ
લોકસભામાં ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ દાવાઓની ટીકા કરતાં કહ્યું કે, જો રાહુલ ગાંધીને વોટ મળી રહ્યા નથી તો અમે શું કરીએ? તે વિપક્ષના નેતા છે. તેમના અમુક મૂલ્યો હોવા જોઈએ. તેઓ દેશના મતદારોનું અપમાન કરી રહ્યા છે. પ્રજા તેમને આકરો જવાબ આપશે.