બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના 'ફેક્ટ ચેક' પર રાહુલ ગાંધીનો જવાબ
Rahul Gandhi Vs ECI On Vote Theft: રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે વોટ ચોરી મુદ્દે ચાલી રહેલું ઘમાસણ સતત વધી રહ્યું છે. આજે રાહુલ ગાંધી દ્વારા ફરી વોટ ચોરી મુદ્દે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. જેને ચૂંટણી પંચ દ્વારા પાયાવિહોણા અને ખોટા ઠેરવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ફેક્ટ ચેક આપ્યું હતું. જેના પર લોકસભામાં વિપક્ષ નેતાએ ફરી આકરા પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતાં કહ્યું કે, તેઓ અર્થવગરના બહાના ન બતાવે, આલંદ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે કર્ણાટક સીઆઇડી સમક્ષ પુરાવા રજૂ કરે.
આ પણ વાંચોઃ 'આરોપો પાયાવિહોણા અને ખોટા છે...' રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચને જવાબ
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી હતી કે, અમારા આલંદ વિધાનસભાના ઉમેદવાર દ્વારા છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી. પરંતુ સીઆઇડી તપાસને ચીફ ઈલેક્શન કમિશ્નર દ્વારા અટકાવી દેવામાં આવી હતી. કર્ણાટક સીઆઇડીએ આ આરોપોની તપાસના ભાગરૂપે છેલ્લા 18 મહિનામાં 18 પત્રો લખી પુરાવા માગ્યા, પણ ચૂંટણીના ચીફ કમિશ્નરે તેને પણ અટકાવી દીધા.
આ પણ વાંચોઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે: રાહુલ ગાંધી
ચીફ ઈલેક્શન કમિશ્નરે કાર્યવાહી અટકાવી દીધી
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, કર્ણાટક ચૂંટણી પંચ સીઆઇડી તપાસમાં સહયોગ આપવા માગતુ હતું. પરંતુ ચીફ ઈલેક્શન કમિશ્નરે રોકી દીધા. કર્ણાટક ચૂંટણી પંચે તપાસમાં સહયોગ આપવા ચૂંટણી પંચને અનેક પત્ર મોકલ્યા પરંતુ ચીફ ઈલેક્શન કમિશ્નરે કાર્યવાહી અટકાવી દીધી. આઇપી એડ્રેસ, ડિવાઇસ પોર્ટ, ઓટીપી ટ્રેલ્સની માહિતી રજૂ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
જો વોટ ચોરી પકડાઈ ન હોત તો...
તેમણે આગળ લખ્યું હતું કે, જો આ વોટ ચોરી પકડાઈ ન હોત તો 6018 મત ડિલીટ કરવામાં આવ્યા હોત અને અમારો ઉમેદવાર હારી જતો. ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર બહાના બનાવવાનું બંધ કરો. તુરંત કર્ણાટક સીઆઇડીને પુરાવા સોંપો. ઉલ્લેખનીય છે, રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કર્ણાટક વિધાનસભામાં થયેલી વોટ ચોરીના પુરાવા રજૂ કર્યા હતા. તેમજ મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરી થઈ હોવાનો દાવો કરતાં વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશ્નર છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.