બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી
UP News: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મૂશળધાર વરસાદ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ પર એક મહાકાય ઝાડ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી બેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થયા બાદ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, બાદમાં પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રૂટ ક્લિઅર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બારાબંકી-હૈદરગઢ માર્ગ પર હરખ રાજા બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના પર ઝાડ પડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બસમાં સવાર મુસાફરો ડરના માર્યા બૂમો પાડીને જીવ બચાવવા મદદ માંગી રહ્યા હતા. ઘણાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીથી કૂદતા જોવા મળ્યા હતા. આ દુર્ધટનામાં અનેક ઈજાગ્રસ્ત પણ થયા હતા. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કતરી હતી.
પીડિત મહિલા રોષે ભરાઈ
આ દરમિયાન બસમાં ફસાયેલી મહિલા પીડિત મુસાફરોનો વીડિયો બનાવનાર વ્યક્તિ પર રોષે ભરાઈ હતી. મહિલાએ કહ્યું કે, અહીં જિંદગી અને મોતનો સવાલ છે અને તમે વીડિયો બનાવી રહ્યા છે. જો ઝાડની ડાળી દૂર કરવામાં મદદ કરતા તો અમે બહાર નીકળી જાત.' ત્યારબાદ વીડિયો શૂટ કરી રહેલા વ્યક્તિને લોકોએ ત્યાંથી દૂર હટાવ્યો.
આ પણ વાંચોઃ 'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર
પાંચના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સિવાય 6-7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફસાયેલા લોકો ઝાડ કાપીને બહાર નીકળી ગયા હતા. જોકે, વરસાદના કારણે રાહત અને બચાવ કાર્યમાં વિલંબ થયો હતો.