'હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું', રાહુલ ગાંધીના પ્રહાર
ECI vs Congress: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ CEC પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મેં લોકો સાથે વાત કરી છે, તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણમાં તમને જે અધિકારો મળે છે તે છીનવી લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ મને કહે છે કે, સોગંદનામું આપો, પરંતુ અનુરાગ ઠાકુર પણ એ જ વાત કહે છે જે હું કહું છું, પરંતુ તેમની પાસેથી સોગંદનામું માંગવામાં નથી આવતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારમાં અમે 'વોટર અધિકાર યાત્રા' શરૂ કરી હતી. ઘણા સમયથી લોકો શંકા કરી રહ્યા છે કે ચૂંટણીમાં ગડબડ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ગોટાળો કર્યો. ભાજપને તમામ નવા વોટર મળી રહ્યા છે. જ્યારે અમે ચૂંટણી પંચને પૂછીએ છીએ, ત્યારે તેઓ કહે છે કે અમારે તમને નથી સમજાવવા. CCTV માગ્યા તો ચૂંટણી પંચે કહ્યું કે તેઓ CCTV ફૂટેજ નહીં આપે. જ્યારે ઇલેક્ટ્રોનિક વોટર યાદી માગી તો તેમણે તે પણ આપવાનો ઇનકાર કર્યો.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હું પૂછું છું કે તમે સીસીટીવીનો કાયદો બનાવ્યો, તો તમે તેને શા માટે બદલ્યો? શું તમે જાણો છો કે કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર સામે કેસ દાખલ કરી શકતું નથી? કોઈ પણ કોર્ટ કેસ દાખલ કરી શકતી નથી. આ કાયદો શા માટે બનાવવામાં આવ્યો હતો? ખરેખર, તે કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો હતો જેથી કોઈ ક્યારેય મુખ્ય ચૂંટણી કમિશનર સામે કેસ દાખલ ન કરી શકે. આ કાયદો વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેથી તેઓ વોટ ચોરી કરી શકે. પરંતુ અમે વોટ ચોરી થવા દઈશું નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચે સમજવું જોઈએ કે હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી. અમે ભારતના દરેક નાગરિક સામે વોટ ચોરીનું સત્ય મૂકીશું. અહીં પોલીસે બેરીકેડ લગાવ્યા, જેથી તમે લોકો આગળ ન આવી શકો. પરંતુ અમે બેરીકેડ સુધી આવ્યા. તમે પણ આવ્યા. આ બિહારની શક્તિ છે.