'ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું', મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા
ECI vs Congress: 'વોટ ચોરી'ના આરોપ પર ચૂંટણી પંચે આજે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યું છે. જે તમામ આરોપોને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 'અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.' ત્યારબાદ હવે ચૂંટણી પંચના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી છે.
કોંગ્રેસે કહ્યું કે, 'ચૂંટણી પંચે ફરી ખોટું બોલ્યું.' જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે(17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજી અને રાહુલ ગાંધીને કડક શબ્દોમાં માફી માંગવા કહ્યું, ત્યારે દેશના મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવ્યો. ખાસ વાત એ હતી કે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે જ કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા મીમ્સની મદદથી દેશની ટોચની ચૂંટણી સંસ્થા પર પ્રહારો કર્યા.
ચૂંટણી પંચના પક્ષપાતનો પણ થયો પર્દાફાશ: કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે, 'ચૂંટણી પંચનો દાવો કે તે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદ પાડતો નથી તે હાસ્યાસ્પદ છે. પાર્ટીએ કહ્યું કે CEC એ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નોનો અર્થપૂર્ણ જવાબ આપ્યો નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચ માત્ર તેની અસમર્થતા માટે જ નહીં પરંતુ તેના પક્ષપાત માટે પણ સંપૂર્ણપણે પર્દાફાશ થયો છે.'
શું ECI સુપ્રીમ કોર્ટના 14 ઓગસ્ટના આદેશને અક્ષરશઃ અમલમાં મૂકશે?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ન કર્યો કે, શું ચૂંટણી પંચ બિહાર SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના 14 ઓગસ્ટના આદેશનો અક્ષરશઃ અમલ કરશે? 'વોટ ચોરી'ના આરોપો પર CEC જ્ઞાનેશ કુમારના પ્રતિભાવ પર તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી જ હકીકતો જાહેર કરી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્યએ ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર કર્યો વળતો પ્રહાર
આ અગાઉ પાર્ટીના સત્તાવાર X હેન્ડલ પર પણ એ વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં CEC જ્ઞાનેશ કુમારને એમ કહેતા સાંભળી શકાય છે કે ચૂંટણી પંચની સામે કોઈ શાસક પક્ષ કે વિપક્ષ નથી હોતા, બધા સમાન છે. બીજી વિંડોમાં, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો પણ શેર કરાયો છે, જેમાં તેમને ભાજપને સોગંદનામું માંગવા માટે પડકાર ફેંકતા સાંભળી શકાય છે.
બીજા સોશિયલ મીડિયા મીમમાં કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદીના AI દ્વારા જનરેટ કરેલા ફોટાનો ઉપયોગ કર્યો છે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે બે અન્ય ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી અને ડૉ. સુખબીર સિંહને દર્શાવવામાં આવ્યા છે. આ કાર્ટૂન જેવી રજૂઆતમાં કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદીની તસવીર સામે લખ્યું છે, 'બોલ યે રહે હૈં, શબ્દ મેરે હૈં.'
બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કોંગ્રેસ પાર્ટીએ એક ફિલ્મ ક્લિપના મીમનો ઉપયોગ કર્યો અને કમિશન અને ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવ્યો. પાર્ટીએ તેની સાથે 'બહુત યારાના લગતા હૈ' વાક્યનો પણ ઉપયોગ કર્યો.