Get The App

લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
Rahul Gandhi not signed no-confidence motion


Rahul Gandhi not signed No Confidence Motion: લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(C)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે. આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 120 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે(TMC) દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે.

આ ગંભીર ઘટનાક્રમ બાદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિકતાના ધોરણે પોતાની જાતને ગૃહની કાર્યવાહીના સંચાલનથી અલગ કરી લીધી છે અને તેઓ મંગળવારે ગૃહમાં આસન પર જોવા મળ્યા નહોતા.

આ પણ વાંચો: સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક

સ્પીકર વિરુદ્ધની નોટિસમાં રાહુલ ગાંધીની સહીનો અભાવ ચર્ચામાં

આ અવિશ્વાસ પ્રસ્તાવમાં નોંધનીય બાબત એ છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. કોંગ્રેસના સૂત્રો મુજબ, સંસદીય લોકશાહીની ગરિમાને જાળવી રાખવા માટે વિપક્ષના નેતા સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી કરે તે યોગ્ય નથી. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન સ્પીકરે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને બોલતા અટકાવ્યા હતા અને તેમની ટિપ્પણીઓ દ્વારા કોંગ્રેસના સભ્યો પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે ગૃહની મર્યાદાની વિરુદ્ધ છે.

પક્ષપાતી વલણનો આક્ષેપ

વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.'

સંસદના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના 14 દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે. જ્યારે આ પ્રસ્તાવ વિચારાધીન હોય, ત્યારે સ્પીકર પોતે ગૃહનું સંચાલન કરી શકતા નથી.

લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ 2 - image