India

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી ભડક્યા, પોલીસ કાર્યવાહીને અયોગ્ય ગણાવી સોરેન સરકારને આપી સલાહ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
રાંચીમાં JPSC-JSSC પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકની CBI તપાસ માટે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો, જેની રાહુલ ગાંધીએ નિંદા કરી. તેમણે ઝારખંડ સરકારને તાત્કાલિક શાંતિપૂર્ણ બેઠક યોજીને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા અપીલ કરી છે. પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યા છતાં વિદ્યાર્થીઓ પાછા હટ્યા નહોતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધી ભડક્યા, પોલીસ કાર્યવાહીને અયોગ્ય ગણાવી સોરેન સરકારને આપી સલાહ

Rahul Gandhi On Jharkhand Student Protest : ઝારખંડના પાટનગર રાંચીમાં JPSC અને JSSC-CGL પરીક્ષામાં ગેરરીતિ તેમજ પેપર લીકની CBI તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા બળપ્રયોગની નિંદા કરી છે અને ઝારખંડ સરકારને તાત્કાલિક શાંતિપૂર્ણ બેઠક કરીને પ્રશ્નોનો ઉકેલ લાવવા અપીલ કરી છે.

રાહુલ ગાંધીની ઝારખંડ સરકારને અપીલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ખોટો છે. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવાનો સંપૂર્ણ અધિકાર છે અને કોઈપણ સમસ્યાનો સાચો ઉકેલ માત્ર વાર્તાલાપથી જ નીકળી શકે છે. ઝારખંડ સરકારે આ યુવાનોની વાત સાંભળવી જોઈએ અને તેમની તમામ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ.’

રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું

JPSC પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકની CBI તપાસની માંગ સાથે શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન રાંચીમાં ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું છે. વિધાનસભા ઘેરાવ માર્ચ દરમિયાન સેંકડોની સંખ્યામાં આક્રોશિત વિદ્યાર્થીઓએ તમામ સુરક્ષા બેરિકેડ્સ તોડીને ઝારખંડ વિધાનસભા પરિસરમાં પ્રવેશ કર્યો છે. પોલીસ દ્વારા રસ્તાઓ પર ગોઠવવામાં આવેલા કાંટાળા તારોને વિદ્યાર્થીઓ પોતાના હાથ વડે ઊંચકીને દૂર લઈ ગયા હતા અને વિધાનસભાના ગેટ નંબર 1 પર એકઠા થયા છે.

લાઠીચાર્જ અને ટીયર ગેસ વચ્ચે અનોખો વિરોધ

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે વિદ્યાર્થીઓની ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. કડક કાર્યવાહી અને ઘર્ષણ વચ્ચે પણ વિદ્યાર્થીઓ પાછા હટ્યા નહોતા અને કેટલાંક પ્રદર્શનકારીઓ રસ્તા પર સૂઈને નારેબાજી કરવા લાગ્યા હતા. પોલીસે કરેલી કાર્યવાહી વચ્ચે વિદ્યાર્થીઓ એકઠા થઈને દેશનું રાષ્ટ્રગાન ગાવા લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રશાસને અન્ય જિલ્લાઓની પોલીસને પણ તાત્કાલિક રાંચી પહોંચવા આદેશ આપ્યો હતો અને દિવસના અંતે પોલીસે વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવા શાંતિપૂર્ણ અપીલ કરી હતી.