રાજઘાટ પર રાહુલ ગાંધી, બેંગ્લુરુમાં સીજેપી, પટનામાં તેજસ્વીના દેખાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'લોકતંત્ર બચાવો' અભિયાન હેઠળ ઈન્ડિયા બ્લોકની દેશભરમાં રેલી
- નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમારે ગુનાઇત કાવતરું ઘડીને દેશને હાઈજેક કર્યો : રાહુલ ગાંધી
- ભાજપનો વિરોધ કરનારા લોકોને વોટ આપતા રોકવા માટે 'સર' હેઠળ મતદારોના નામ હટાવાયા : સીજેપી
નવી દિલ્હી : દેશમાં મતદાર યાદીમાં સુધારા માટેની 'સર' કાર્યવાહીમાં કથિત ગેરરીતિઓ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનોના દેખાવો ગુરુવારે પણ ચાલુ રહ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ ઈન્ડિયા બ્લોકના નેતાઓએ દિલ્હીમાં મોરચો ખોલ્યો છે. બીજીબાજુ લખનઉ, પટનાથી લઈને બેંગ્લુરુમાં પણ ચૂંટણી પંચ વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના સ્મારક રાજઘાટ પર શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. સીજેપીના બેનર હેઠળ બેંગ્લુરુમાં ફ્રીડમ પાર્કમાં ચૂંટણી પંચ વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરાયા હતા જ્યારે પટનામાં તેજસ્વી યાદવ પણ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના સાંસદો ગુરુવારે જંતર-મંતર જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. લગભગ બે કલાક પછી બધાને છોડી મૂકાયા હતા. જોકે, રાહુલ ગાંધી અને વિપક્ષના સાંસદોએ સાંજે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યાંથી તેઓ ફરીથી ચૂંટણી પંચની ઓફિસ તરફ રવાના થયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે શાંતિપૂર્ણ દેખાવો કરવા માગીએ છીએ. અમને રોકવામાં આવી રહ્યા છે. પોલીસ અમારા કાર્યકરોને મારી રહી છે. વિપક્ષના સાંસદો શાંતિપૂર્ણ રીતે ધરણાં કરવા માગે છે, પરંતુ પહેલા દિવસે જ ચૂંટણી પંચની ઓફિસ નજીક અમને રોકવામાં આવ્યા હતા. બીજા દિવસે અમને જંતર-મંતર જતા રોકવામાં આવ્યા. આજે ફરી અમને જંતર-મંતર જવા દેવાયા નહીં. હકીકત એ છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમારે ગુનાીત કાવતરું ઘડીને દેશને હાઈજેક કર્યો છે. બંધારણનો નાશ કર્યો છે અને વોટ ચોરી કરી છે. જ્ઞાનેશ કુમારના વિરોધમાં અમારા ધરણાં ચાલુ જ રહેશે.
બીજીબાજુ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ દેખાવો કરી 'સર' પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરી હતી. પક્ષના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પહેલી વખત આરાધના મિશ્રાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો દેખાવો કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. તેલંગણામાં પણ કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોકના સભ્યોએ લોકતંત્ર બચાવો અભિયાન હેઠળ રેલી કરી હતી. અહીં નેકલેસ રોડ પર ઈન્દિરા ગાંધીની પ્રતિમાથી લોકભનવ સુધી રેલી કઢાઈ હતી.
સીજેપીના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં સીજેપીએ બેંગ્લુરુના ફ્રીડમ પાર્કમાં ચૂંટણી પંચનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને સંબોધન કરતા દીપકેએ આક્ષેપ કર્યો કે 'સર' હેઠળ મતદારોના નામ હટાવવાનો આશય ભાજપનો વિરોધ કરનારા લોકોને વોટ આપતા રોકવાનો છે. બેંગ્લુરુમાં મહિલાઓ પર વધતા ગૂના અને સુરક્ષાની માગ અંગે ચપ્પલ પ્રદર્શન પણ કરાયું હતું.
આ સિવાય પટનામાં રાજદના કાર્યકારી અધ્યક્ષ તેજસ્વી યાદવના નેતૃત્વમાં વિપક્ષના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. તેજસ્વી યાદવ, સાંસદ મીસા ભારતી સહિત અન્ય નેતાઓ વિધાનસભા પરિસર પાસે સ્થિત 'શહીદ સ્મારક'થી 'લોક ભવન' તરફ માર્ચ કરી હતી. જોકે, ચૂંટણી પંચની ઓફિસે પહોંચતા પહેલા જ પોલીસે તેમને અટકાવ્યા હતા.




