India

નેસ્લેના શિશુ ફોર્મ્યુલા દૂધના દાવા સામે સવાલ, FSSAIએ સ્પષ્ટતા માંગી, માતા-પિતાને ખાસ સલાહ

By GS Team
18 Sep 20264 mins read
TukuTouch Logo
FSSAI દ્વારા Nestle India ના 3 શિશુ ફોર્મ્યુલા દૂધ ઉત્પાદનો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે. NAN Excella Pro Stage 1 અને Lactogen Pro 1 પર ભ્રામક પ્રમોશનલ દાવાઓનો આરોપ છે. ઉપરાંત, એક ફોલો-અપ ફોર્મ્યુલામાં બાયોટિનનું પ્રમાણ ઓછું મળ્યું છે. FSSAIએ 3 કેસ દાખલ કરતાં Nestleના શેર 2.5% ગગડ્યા. માતા-પિતાને ડોક્ટરની સલાહ લેવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેસ્લેના શિશુ ફોર્મ્યુલા દૂધના દાવા સામે સવાલ, FSSAIએ સ્પષ્ટતા માંગી, માતા-પિતાને ખાસ સલાહ
AI તસવીર

Nestle India Baby Formula Milk: ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અગ્રણી ફૂડ કંપની નેસ્લે (Nestle) ઇન્ડિયા લિમિટેડના કેટલાક શિશુ ફોર્મ્યુલા દૂધના ઉત્પાદનો સામે FSSAIએ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જો તમે પણ તમારા શિશુ માટે બજારમાંથી ડબ્બાબંધ દૂધ ખરીદતા હોવ તો તમારે ચેતી જવાની જરૂર છે. આવો જાણીએ કે આ વિવાદ શું છે અને કયા ઉત્પાદનો તપાસના ઘેરામાં છે.

કયા ઉત્પાદનો સામે સવાલો ઉભા થયા?
FSSAI દ્વારા નેસ્લે ઇન્ડિયાના 3 મુખ્ય શિશુ પોષણ ઉત્પાદનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

  1. NAN Excella Pro Stage 1
  2. Lactogen Pro 1
  3. કંપનીનું ફોલો-અપ ફોર્મ્યુલા (Follow-up Formula)

શું છે સમગ્ર વિવાદ?

FSSAI ના મતે, આ ઉત્પાદનોના વેચાણ વધારવા માટે કરવામાં આવતા પ્રમોશનલ દાવાઓ ગેરમાર્ગે દોરનારા અને નિયમો વિરુદ્ધ છે.

  1. NAN Excella Pro Stage 1: આ પ્રોડક્ટની જાહેરાતમાં કંપની દ્વારા ‘5 HMOs’ અને ‘Whey Protein’ જેવા શબ્દોનો ઉપયોગ કરી આકર્ષક દાવા કરવામાં આવે છે.
    '5 HMOs' (Human Milk Oligosaccharides - હ્યુમન મિલ્ક ઓલિગોસેકરાઇડ્સ) એ ખાસ પ્રકારના જટિલ કાર્બોહાઇડ્રેટ્સ છે, જે કુદરતી રીતે માત્ર માતાના દૂધમાં જ મોટી માત્રામાં જોવા મળે છે. તે બાળકના આંતરડામાં સારા બેક્ટેરિયા વિકસાવવાની સાથે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શરૂઆતના મહિનાઓમાં બીમારીઓ સામે રક્ષણ આપે છે. નેસ્લે જેવી કંપનીઓ લેબમાં કૃત્રિમ રીતે આવા 5 અલગ-અલગ પ્રકારના HMOs તૈયાર કરીને તેમના ફોર્મ્યુલા દૂધમાં ઉમેરે છે, જેથી તેઓ દાવો કરી શકે કે તેમનું પાવડરનું દૂધ માતાના કુદરતી દૂધ જેટલું જ ગુણકારી છે.
  2. Lactogen Pro 1: આ પ્રોડક્ટના પ્રમોશનમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં રહેલું વ્હે પ્રોટીન (Whey Protein) પચવામાં ખૂબ જ સરળ છે.
    દૂધ ફાટે કે તેમાંથી પનીર બને ત્યારે છૂટા પડતા પાણી જેવા પ્રવાહી ભાગના પ્રોટીનને 'વ્હે પ્રોટીન' (Whey Protein) કહેવાય છે, જે માતાના ધાવણમાં કુદરતી રીતે વધુ માત્રામાં (લગભગ ૬૦%) હોય છે અને શિશુનું નાજુક પાચનતંત્ર તેને ખૂબ જ સરળતાથી પચાવી શકે છે. નેસ્લે જેવી કંપનીઓ તેમના શિશુ ફોર્મ્યુલા (જેમ કે Lactogen Pro 1) માં અલગથી આ પ્રોટીન ઉમેરીને જાહેરાતોમાં ‘સરળતાથી પચી જાય તેવું વ્હે પ્રોટીન’ હોવાના દાવાઓ કરે છે, જેથી માતા-પિતા તેને માતાના દૂધ જેવું જ હળવું અને શ્રેષ્ઠ માને.

FSSAI ને કઈ બાબતે વાંધો પડ્યો?

ભારતીય ફૂડ સેફ્ટી કાયદા મુજબ 0 થી 6 મહિનાના શિશુઓના ફોર્મ્યુલા દૂધ પર નેસ્લે દ્વારા કરાયા છે એવા આકર્ષક કે સ્વાસ્થ્ય સંબંધી દાવાઓ કરવા પર પ્રતિબંધ છે; કારણ કે આવા દાવાઓ માતા-પિતાને ગેરમાર્ગે દોરીને કુદરતી સ્તનપાન (Breastfeeding) ને બદલે ફોર્મ્યુલા દૂધ તરફ આકર્ષિત કરી શકે છે. આ પ્રકારના પ્રમોશનલ દાવાઓ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2020’ ના નિયમ 4(2) નું સીધું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, 1992 ના શિશુ દૂધના વિકલ્પો અને શિશુ ખોરાક અધિનિયમની કલમ 3 નો પણ ભંગ કરે છે. માટે FSSAIને નેસ્લે સામે વાંધો પડ્યો છે.

બાયોટિન (Biotin)નું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું મળ્યું

ખોટા પ્રમોશનલ દાવાઓ સિવાય ત્રીજો મામલો પ્રોડક્ટની ગુણવત્તા સાથે જોડાયેલો છે. FSSAI ના લેબ ટેસ્ટિંગમાં નેસ્લેના ફોલો-અપ ફોર્મ્યુલામાં બાયોટિન (જેને વિટામિન B7 પણ કહેવાય છે) નું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું (Sub-standard) હોવાનું સામે આવ્યું છે. આ સેમ્પલને જ્યારે ફરીથી રેફરલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યું, ત્યારે ત્યાં પણ તે 2020 ના નિયમો મુજબના બાયોટિન સ્તરને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું.

નેસ્લે સામે 3 કેસ કરાતાં તેના શેર ગગડ્યા

આ કથિત ઉલ્લંઘનો બદલ FSSAI એ નેસ્લે ઇન્ડિયા સામે 3 અલગ-અલગ કાનૂની કેસ દાખલ કર્યા છે. આમાંના 2 કેસ ભ્રામક જાહેરાતો માટે અને 1 કેસ બાયોટિનની કમી માટે છે. આ કાનૂની કાર્યવાહીના સમાચાર બહાર આવતા જ શેરબજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં આશરે 2.5% નો ઘટાડો નોંધાયો હતો.

શું આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકાયો છે?

ના, આ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. FSSAIની કાર્યવાહી માત્ર એ દર્શાવે છે કે આ દાવાઓ અને ગુણવત્તા બાબતે સઘન તપાસ ચાલી રહી છે. તે એવું પણ સાબિત નથી કરતું કે આ દૂધનો દરેક બેચ ખરાબ છે. સંબંધિત સત્તાધિકારીઓની તપાસ પૂર્ણ થયા પછી જ આગળનો નિર્ણય લેવાશે.

માતા-પિતા માટે શું છે સલાહ?

શિશુઓ માટે તૈયાર કરાતા ખોરાક પર સામાન્ય ખોરાક કરતા વધુ કડક નિયમો હોય છે, કારણ કે આ બાળકના વિકાસનો સૌથી નિર્ણાયક તબક્કો હોય છે. FSSAI સલાહ આપે છે કે બાળકો માટે દૂધ કે અન્ય કોઈ પ્રોડક્ટ ખરીદતી વખતે માત્ર કંપનીઓની આકર્ષક જાહેરાતો પર જ આધાર ન રાખવો જોઈએ. હંમેશા બાળકના ડૉક્ટરની સલાહ લીધા પછી જ સૌથી યોગ્ય ઉત્પાદનની પસંદગી કરવી જોઈએ.