For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચરણજીત પંજાબના પહેલા દલિત CM : કોંગ્રેસનું ભાજપીકરણ

Updated: Sep 19th, 2021

Article Content Image

સોનિયાએ કોથળામાંથી બિલાડું કાઢ્યું : સિનિયરોની જગ્યાએ જુનિયરને સુકાન : આજે શપથ

ચરણજીતને મુખ્યમંત્રી બનાવી કોંગ્રેસે અમરિન્દર અને સિદ્ધુના બંને જૂથોને 'સાચવી' લીધા, અકાલી દળની પણ હવા કાઢી નાંખી

પંજાબમાં બે નાયબ મુખ્યમંત્રીઓ હશે

ચંડીગઢ : પંજાબના પાવર પ્લેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિંધ્યા માર્ગે આગળ વધી હોય તેમ કેપ્ટન અમરિંદર સિંહ સાથે આખી કેબિનેટના રાજીનામા પછી કોંગ્રેસે નવા મુખ્યમંત્રી માટે એક એવા નામની જાહેરાત કરી જે રેસમાં ક્યાંય નહોતા.  કોંગ્રેસે રવિવારે સાંજે ચરણજીતસિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. ચરણજીત સિંહ ચન્ની ૧૯૬૬માં પંજાબના પુનર્ગઠન પછી પહેલા દલિત મુખ્યમંત્રી હશે.

સિનિયર નેતાઓને પાછળ રાખીને કોંગ્રેસે સ્વચ્છ છબી ધરાવતા ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કેપ્ટન અમરિન્દર સિંહ અને પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિદ્ધુ બંને જૂથોને સાચવી લીધા છે. ચરણજીત સોમવારે સવારે ૧૧.૦૦ વાગ્યે મુખ્યમંત્રીપદના શપથ લેશે.

કેપ્ટન અમરિન્દર સિંહે શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પંજાબમાં નવા મુખ્યમંત્રી પદે સુખજિંદર રંધાવા, સુનીલ જાખડ, અંબિકા સોની જેવા વરિષ્ઠ નેતાઓના નામોની ચર્ચા વચ્ચે પંજાબ કોંગ્રેસના પ્રભાર હરીશ રાવતે ટ્વીટ કરીને ચરણજીત સિંહ ચન્નીની મુખ્યમંત્રીપદે પસંદગી થઈ હોવાની માહિતી આપી હતી.

રાવતે ટ્વીટ કરી કે, ચરણજીત સિંહ ચન્નીને કોંગ્રેસના વિધાનસભા પક્ષની બેઠકમાં સર્વાનુમતે મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી તરીકે પસંદગીની સાથે જ ચરજિત સિંહ ચન્ની કોંગ્રેસ પ્રભારી હરિશ રાવત સાથે સાંજે ૬.૩૦ વાગ્યે રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર રચવાનો દાવો કર્યો હતો.

મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ ગણાતા કોંગ્રેસ નેતા સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે આ હાઈકમાન્ડનો નિર્ણય છે. હું તેમના નિર્ણયનું સ્વાગત કરું છું. ચન્ની મારા નાના ભાઈ સમાન છે. મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીના નામની જાહેરાત થતાં કેપ્ટન અમરિન્દર સિંહે પણ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, આશા છે ચરણજીતસિંહ ચન્ની પંજાબને સરહદ પારના પડકારોથી સલામત રાખશે. 

અમરિન્દર સિંહના રાજીનામા પછી મુખ્યમંત્રીપદ માટેની રેસમાં જે લોકોના નામ ચર્ચાઈ રહ્યા હતા, તેમાં ચરણજીતનું નામ દૂર-દૂર સુધી ક્યાંય નહોતું. પરંતુ અચાનક જ તેમનું નામ સામે લાવીને કોંગ્રેસે બધાને ચોંકાવી દીધા છે.

સૂત્રો મુજબ દલિત નેતાને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે દેશની મોટી વસતીને પોતાના તરફ આકર્ષવાનું કામ કર્યું છે. કોંગ્રેસે એક દલિત નેતાને સુકાન સોંપીને હિન્દુ, દલિત અને શીખોને એક સાથે સાધવાનો પ્રયાસ કર્યો છે.

ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસ ેઅકાલી દળને મોટો ફટકો પહોંચાડયો છે. આ સિવાય પક્ષમાં અમરિન્દર અને નવજોતસિંહ સિદ્ધુની આંતરિક જૂથબંધીથી દૂર એવા નેતાને સુકાન સોંપ્યું છે, જેમના નામ પર કોઈ વિવાદ નથી.

રાજ્યમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે અકાલી દળ અને બસપાએ જોડાણની જાહેરાત કરી દીધી છે. આ સિવાય અકાલી દળે અનેક વખત કહ્યું છે કે તેમની સરકાર બનશે તો તે દલિત નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવશે. માનવામાં આવે છે કોંગ્રેસે તેના આ નિર્ણયથી અકાલી દળના મતો કાપી નાંખ્યા છે અને તેનાથી આગામી ચૂંટણી તેને મોટી લીડ મળવાની સંભાવના છે.

ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસમાં ૨૦૦૭થી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ વિધાનસભામાં શ્રીચમકૌર સાહિબનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને પંજાબમાં દોઆબ ક્ષેત્રના કદાવર નેતા મનાય છે. પક્ષમાં પહેલી વખત કોઈ દલિત નેતાને રાજ્યનું સુકાન સોંપાયું છે.

વધુમાં ચરણજીતસિંહ તેમની સ્વચ્છ રાજકીય કારકિર્દી માટે પણ ઓળખાય છે. આ પહેલા તેઓ રાજ્યમાં નેતા વિપક્ષની ભૂમિકા ભજવી ચૂક્યા છે. હાલ તેઓ કેપ્ટન અમરિન્દર સિંહની કેબિનેટમાં ટેકનિકલ શિક્ષણ મંત્રી હતા.

નવજોતસિંહ સિદ્ધુના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી ચન્નીએ ત્રણ અન્ય મંત્રીઓ તૃપ્ત રાજિન્દરસિંહ બાજવા, સુખજિંદર સિંહ રંધાવા અને સુખબિંદરસિંહ સરકારિયા સાથે અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવો કર્યો હતો. જોકે, ચરણજીતને નવજોતસિંહ સિદ્ધુના સાથી પણ માનવામાં આવતા નથી. તેથી અમરિન્દર અને સિદ્ધુ બંને પક્ષો ખુશ.

Gujarat