Punjab Local Body Election Result 2025: પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 1 હજારનો આંકડો પાર કરી લીધો છે. 50 ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે.
ભાજપ અપક્ષ કરતાં પણ પાછળ
પંજાબ જિલ્લા પરિષદ ચૂંટણીના અંતિમ પરિણામ જાહેર થઈ ગયા છે. 346 ઝોનમાંથી 218 પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ 62, શિરોમણી અકાલી દળ 46, ભાજપ 7 અને બસપા 3 ઝોન પર સમેટાઈ છે. જ્યારે 10 ઝોનમાં અપક્ષનો વિજય થયો છે. નોંધનીય છે કે 22 ઝોનમાં આપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.
પંચાયત સમિતિની વાત કરીએ તો 2388 ઝોન છે. જેમાંથી 339માં આમ આદમી પાર્ટીનો પાર્ટીનો નિર્વિઘ્ન વિજય થયો. અત્યાર સુધીના પરિણામોમાં AAPનો 977 પંચાયત સમિતિમાં વિજય થયો છે.
ચૂંટણી પરિણામોના આંકડા
જિલ્લા પરિષદ
આમ આદમી પાર્ટી : 218
કોંગ્રેસ : 62
અકાલી દળ : 46
ભાજપ : 7
બીએસપી : 3
અન્ય : 10
પંચાયત સમિતિ
આમ આદમી પાર્ટી : 977
કોંગ્રેસ : 487
અકાલી દળ : 290
ભાજપ : 56
બીએસપી : 26
અન્ય : 112
આ સરકારના કામનું ઇનામ છે- કેજરીવાલ
પાર્ટીની ભવ્ય જીત પર પ્રતિસાદ આપતાં 'આપ' સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'પંજાબના લોકોએ સરકારના કામ પર મહોર મારી છે. અમે કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો નથી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ છે.'
આ પણ વાંચો: ભારે હોબાળા વચ્ચે 'જી રામ જી' બિલ લોકસભામાં પાસ, ગૃહમાં બિલની કોપી ફાડી નાખી હતી
વિપક્ષના ધાંધલીના આક્ષેપો
ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપક્ષોનું કહેવું છે કે સરકારે જાણીજોઈને તેમના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા હતા અને મતદાનના દિવસે ખુલ્લેઆમ ધાંધલી કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચ અને સરકાર આ દાવાઓને નકારી રહ્યા છે.


