G Ram G Bill Passed : સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ભારે ધાંધલ-ધમાલ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025' એટલે કે 'VB-G RAM G' (જી રામ જી) બિલ લોકસભામાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. જોકે, આ બિલના વિરોધમાં વિપક્ષે આક્રમક વલણ અપનાવતા ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી.
મહાત્મા ગાંધીના અપમાનનો વિપક્ષનો આરોપ
વિપક્ષી દળોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે MGNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે. વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાની જોગવાઈઓને નબળી પાડવામાં આવી રહી છે.
વિપક્ષનો ભારે હોબાળો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ કાયદાને ગ્રામીણ ભારતના 'કામના અધિકાર' પર હુમલો ગણાવ્યો હતો. વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પણ સંસદના મકર દ્વાર પર વિપક્ષી સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ ગૃહમાં બિલની નકલો ફાડી નાખી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
શિવરાજ સિંહ ચૌહાણનો વળતો જવાબ
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારના આ પગલાંનો મજબૂત બચાવ કર્યો હતો. તેમણે લોકસભામાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "મૂળ NREGA યોજનામાં મહાત્મા ગાંધીનું નામ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ફાયદા માટે જોડવામાં આવ્યું હતું." તેમણે પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટીકાઓનો જવાબ આપતાં કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં માત્ર નેહરુ-ગાંધી પરિવારના નામે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવતી હતી. તેમણે ગૃહમાં આવી યોજનાઓની આખી યાદી પણ ગણાવી હતી.
શું છે નવું 'VB-G RAM G' બિલ?
આ બિલ દ્વારા સરકાર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને નવું નામ અને નવું માળખું આપી રહી છે. સરકારનો દાવો છે કે આ 'વિકસિત ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આજીવિકા મિશનને વધુ મજબૂત બનાવશે, જ્યારે વિપક્ષ તેને ઐતિહાસિક યોજનાને ખતમ કરવાનું કાવતરું ગણાવી રહ્યો છે.


