પાણી મુદ્દે બે રાજ્યો વચ્ચે ભારે વિવાદ ! પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કરતા હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
Punjab-Haryana Water Dispute : પંજાબ અને હરિયાણા વચ્ચે પાણી માટે ભારે રાજકીય યુદ્ધ શરૂ થયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. પંજાબ પોલીસે ભાખરા-નાંગલ ડેમ પર કબજો કર્યા બાદ ‘ભાખરા ડેમ મેનેજમેન્ટ બોર્ડ - BBMB’એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજીતરફ ફતેહાબાદની એક પંચાયતે પણ પાણીનો મુદ્દો લઈને હાઈકોર્ટ પહોંચી ગઈ છે. બંને અરજીઓ પર તાત્કાલીક સુનાવણી માંગ થયા બાદ ન્યાયાધીશોની બેંચે આજે જ સુનાવણી હાથ ધરી છે. કોર્ટે બીબીએમબી, પંજાબ સરકાર અને હરિયાણાને નોટિસ જારી કરવાની સાથે આવતીકાલે બપોરે 3.00 કલાકે ફરી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પંજાબ પોલીસે ડેમ પર કબજો કરતા BBMBએ વાંધો ઉઠાવ્યો
નાંગલ ડેમ પરિસરમાં પંજાબ પોલીસની ટીમ તહેનાત કરતા બીબીએમબીએ વાંધો ઉઠાવ્યો છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે, પંજાબ પોલીસે બળજબરીથી ટીમ તહેનાત કરી છે, જેના કારણે બોર્ડના કામકાજમાં અડચણો આવી રહી છે. બીબીએમબીના વકીલ રાજેશ ગર્ગે દલીલ કરી છે કે, ‘અમને પંજાબ પોલીસની સુરક્ષા જોઈતી નથી. જો અમને સુરક્ષાની જરૂર પડશે તો અમે કેન્દ્ર સરકારને માંગ કરીશું, પંજાબ સરકારથી નહીં.’
‘ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પોલીસ તહેનાત કરી’
હરિયાણા સરકાર તરફથી અરજી દાખલ કરનાર એડવોકેટ રવિન્દ્ર ઢુલે દલીલ કરી છે કે, ‘આજે એક વાત સામે આવી છે કે, પંજાબ સરકારે બીબીએમબીને ઈમેલ કરીને કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા, સાવધાનીના ભાગરૂપે પંજાબ પોલીસને ડેમ પર તહેનાત કરવામાં આવી છે.’ તો બીબીએમબીના વકીલે આક્ષેપ કર્યો છે કે, ‘પંજાબ પોલીસે ડેમ પર ગેરકાયદે કબજો કર્યો છે, જેના કારણે ડેમથી આગળ પાણીનો પૂરવઠો પહોંચાડવામાં અડચણ આવી રહી છે.’
હાઈકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આવતીકાલે (6 મે) બપોરે 3.00 વાગે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે તમામ પક્ષોને વિસ્તૃત વિગતો સાથે આવવા આદેશ આપ્યો છે. પંજાબ આવતીકાલે વિગતો સાથે એફિડેવિટ ફાઈલ કરશે.