યુદ્ધ થયું તો કંગાળ થઈ જશે પાકિસ્તાન, મૂડીઝ રેટિંગ્સની ચેતવણી, જાણો ભારત માટે શું કહ્યું
Moody’s Report For Pakistan : પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનનું મૂડીઝે વધાર્યું ટેન્શન
બંને દેશો વચ્ચેના વિવાદ વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતે હજુ સુધી યુદ્ધનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સહિત તેમને અનેક નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. એટલું જ નહીં આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન યુદ્ધ માટે પણ તમામ તૈયારીઓ કરવાની સાથે ભારત પાસેની સરહદ પર સેનાઓ ગોઠવી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાન વિશ્વના અનેક દેશો પાસે જઈને યુદ્ધ રોકવા માટેની વિનંતી કરી રહ્યું છે. પાકિસ્તાનને પણ ખબર છે કે, જો યુદ્ધ થશે તો તેની કેવી હાલત થશે. જોકે આ ઘટનાક્રમ વચ્ચે હવે રેટિંગ એજન્સી મૂડીઝે પણ પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે.
આ પણ વાંચો : ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ
યુદ્ધ થશે તો પાકિસ્તાન થઈ જશે પાયમાલ
મૂડીઝ રેટિંગ એજન્સીએ વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, ‘જો બંને દેશો વચ્ચે તણાવ વધશે તો ભારતની આર્થિક સ્થિતિ પર ખાસ અસર નહીં પડે, પરંતુ પડોશી પાકિસ્તાન આર્થિક સ્થિતિએ પાયમાલ થઈ જશે, કારણ કે તે પહેલાથી જ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે.’ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે યુદ્ધ થશે તો તેની એવી સ્થિતિ થશે, જેમાં વર્ષોથી અર્થવ્યવસ્થાને બેઠું કરવું મુશ્કેલ પડશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘પાકિસ્તાન માટે યુદ્ધ ઝટકા સમાન હશે, કારણ કે તેની વિદેશી હૂંડિયામણ અનામતને ગંભીર અસર થશે. આ ઉપરાંત તેની જીડીપી પણ ગગડી જશે.
પાકિસ્તાનમાં ભારતની નિકાસ 0.5 ટકાથી પણ ઓછી
પહલગામ હુમલા બાદ મૂડિઝ દ્વારા ‘ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી પાકિસ્તાનની વૃદ્ધિ પર અસર’ના નામથી રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં કહેવાયું છે કે, 2024માં પાકિસ્તાને ભારતમાંથી 0.5 ટકાથી પણ ઓછી નિકાસ કરી છે, તેથી પાકિસ્તાનના ભારત સાથે આર્થિક સંબંધો સામાન્ય હોવાના કારણે યુદ્ધથી ભારત પર બહુ અસર નહીં પડે.’ મૂડીઝે કહ્યું છે કે, ભારત સાથે સતત તણાવ વધી રહ્યો હોવાથી પાકિસ્તાનની વૃદ્ધિ અને વર્તમાન નાણાંકીય એકત્રીકરણ પર અસર પડશે, જેના કારણે આર્થિક સ્થિરતા હાંસલ કરવામાં પાકિસ્તાનને મુશ્કેલી પડશે.